સર્કસ હવે તો વિસરાતી કલા છે.દેશના એક સમયના ખ્યાતનામ સર્કસો વિખરાઈ ને ખોવાઈ ગયા છે.છતાંય કેટલાક લોકોએ કષ્ટો વેઠીને હજુ પણ સર્કસ નો વ્યવસાય અને પરંપરાઓ જારી રાખી છે.
સર્કસ થી ખાસ કરીને બાળકોને સાહસિકતા,નિર્ભયતા અને હિંમત દાખવવાના સંસ્કારની સાથે મનોરંજન મળે છે.ઓલિમ્પિક ની મેચોમાં જોઈએ છે એ કક્ષાના જીમ્નાસ્ટીક કરતબો સરકસના નીવડેલા વ્યાયામવીર કસરતબાજો કરી બતાવે ત્યારે સૌ ના જીવ અદ્ધર ,અને આંખો પહોળી થઈ જાય છે. એ લોકો શરીર ને રબર જેવું સ્થિતિસ્થાપક બનાવી શકે છે.ઊંચાઈનો ડર રાખ્યા વગર ઝંપલાવે છે. ડર કે આગે જીત હૈ એ એમનો કર્મ મંત્ર હોય એવું લાગે છે.સર્કસ નો જોકર કે ડાગલો માત્ર બાળકો નહિ સૌ નો લાડકો બની જાય છે. એ હસાવતો હસાવતો અવનવા કરતબો કરે છે અને નીવડેલા કલાકારો ને સતત ચિડવતો રહે છે.સર્કસ જતું રહે એ પછી દિવસો સુધી બાળકો એના કરતબો યાદ કરીને હસ્યા કરે છે.ક્યારેક વાઘ સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓ સરકસનો હિસ્સો હતા.એની સાથે કલાકારો જોખમી ખેલ કરતા.જો કે પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ હવે હિંસક પ્રાણીઓ નો ઉપયોગ મર્યાદિત અને નિયંત્રિત થઈ ગયો છે.સર્કસ મોટેભાગે ઉનાળામાં આવે છે.વરસાદની મોસમ નજીક હોય ત્યારે આવે.કારણ કે ગુજરાતમાં શાળાઓ ની રજાઓ મોટેભાગે ઉનાળામાં હોય. વડોદરામાં પણ સર્કસ વરસાદ પહેલા મે જૂનમાં આવે.એકાદ મહિનો રોકાણ કરે.મોટેભાગે શહેરનું પ્રદર્શન મેદાન વિવિધ મોટા સરકસો ની રાજધાની.સર્કસ ત્યાં જ લાગે.નાના સર્કસો શહેરમાં મધ્યમવર્ગી વિસ્તારોમાં નાના મેદાનોમાં લાગે.જો કે હવે સર્કસ નું આગમન ખૂબ ઓછું થઈ ગયું છે કારણ કે બાળકો સોશિયલ મીડિયાના સરકસો જોવામાં વધુ મશગુલ રહે છે,અને મોટા સર્કસની આવક સામે સંચાલન ખર્ચ ખૂબ વધ્યો છે.વિવિધ જગ્યાઓ એ મનોરંજન પાર્ક બની ગયા છે જે સંપન્ન પરિવારોના બાળકોને આકર્ષે છે.છતાં,નિમ્ન મધ્યમવર્ગના પરિવારોના બાળકો પ્રમાણમાં સસ્તા મનોરંજન માટે સર્કસ ને ઝંખે છે. વળી,દરરોજ ના ટિકિટ વેચાણમાં ૨૦ થી ૩૦ ટકા ટિકિટો શુભેચ્છકો ને વહેંચી દેવી પડે છે કારણ કે પરવાનગી આપનારી વિવિધ સંસ્થાઓના સાહેબો અને નાના સાહેબો મફત સર્કસ જોવાને પોતાનો અધિકાર સમજે છે.
આ સર્કસ પર ઘણાં લોકો, તેઓ વરસાદ બાંધી દેવાની કળા જાણે છે એવો આક્ષેપ કરે છે.સર્કસ વધુ દિવસ રોકાઈ શકે એ માટે આ લોકો વરસાદ બાંધી દે છે એટલે ચોમાસું મોડું બેસે છે એવું કહેનારા કહે છે. કાગનું બેસવું અને ડાળનું ભાંગવું જેવી ઘટના છે.ક્યારેક બે ત્રણ વર્ષ સતત આવું બન્યું હશે અને સર્કસ ચાલતું હોય ત્યારે ચોમાસુ લંબાયું હશે.એટલે કેટલાકે આ માન્યતા વ્યકત કરી અને અંધશ્રદ્ધા તેની સાથે જોડાઈ ગઈ. વડોદરાની જ વાત કરીએ તો ભૂતકાળમાં જેણે જન જાગૃતિ કરવાની છે એવા માધ્યમો એ બાપડાં બિચારા સર્કસ સંચાલકો સામે આ મુદ્દે જેહાદ જગવી અને ક્યારેક એના લીધે તંબુ વહેલા ઉખડ્યા.અરે! ભાઈ એવી તિલસમી શક્તિઓ એમની પાસે હોય તો વરસાદ રોકવાને બદલે તંબુમાં નોટો અને સિક્કાઓ નો વરસાદ વરસે એવો જાદુ એ લોકો કેમ ન કરે? લોકો બાળ બચ્ચા સાથે રોજ રોજ સર્કસ જોવા આવે અને તંબુમાં જગ્યા ઓછી પડે એવી કરામત કેમ ના કરે? માન્યતાઓ નિર્દોષોને નુકશાન કરે એ રીતની સમાજમાં બંધાવી દેવાતી હોય છે.ભારત નું ચોમાસુ એમ પણ વાતાવરણ પરિવર્તનને લીધે અનિયમિત બન્યું છે.ત્યારે આવી વાતો સનસનાટી મચાવીને નિર્દોષને હેરાન કરવા માટે કરવામાં આવતી હોય એવું લાગે છે.જો એવો કોઈ પૂર્વાપર સંબંધ હોય તો દાખલા,દલીલ અને દસ્તાવેજ ના આધારે પુરવાર કરવો જોઈએ. બાકી,વડોદરામાં બારેમાસ રાજકીય સર્કસ ક્યાં નથી ચાલતું? એ લોકો પણ મત અને મતદારો ને બાંધી લે છે અને મત નો પાક લણી લે પછી સ્માર્ટ મીટર,ગંદુ પીવાનું પાણી,પાણીની અછત જેવી મુશ્કેલીઓ લોકોના માથે મારે છે.પ્રજા બારેમાસ આ સર્કસ જોઈને કંટાળે ત્યારે આ સાચું સર્કસ બે ઘડીની ગમ્મત અને મનોરંજન અને તેના દ્વારા હળવાશ આપે છે.એટલે સર્કસ આવે તો બાળ મંડળીને જરૂર બતાવજો
Reporter: News Plus