News Portal...

Breaking News :

સામે ચોમાસે બાબુજીનો તઘલખી નિર્ણય

2026-06-15 10:39:35
સામે ચોમાસે બાબુજીનો તઘલખી નિર્ણય


સામે ચોમાસે બાબુજીનો તઘલખી નિર્ણય

વડોદરા શહેરને દર વર્ષે પૂરમાં ડૂબાડતી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકાનાં આંધળા અને બહેરા વહીવટી તંત્રએ પ્રજાની મજાક ઉડાવતો વધુ એક તઘલખી નિર્ણય કર્યો છે. વર્ષોથી માત્ર કાગળ પર ઘોડા દોડાવીને કરોડો રૂપિયા સ્વાહા કરી ગયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી સ્ટાફની અછતનું રોદણું રડાતું હતું. પરંતુ હવે, જેવું ચોમાસું માથે આવ્યું છે અને પૂરનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે પાલિકાના કુંભકર્ણ શાસકોને અચાનક બ્રહ્મજ્ઞાન લાધ્યું છે.પાલિકા કમિશનરે પોતાની નાકામી છુપાવવા માટે ઉતાવળે વિવિધ વિભાગના 8 ઇજનેરોને વિશ્વામિત્રી પ્રોજેક્ટની વધારાની જવાબદારી સોંપી દીધી છે. આ આદેશ એટલો હાસ્યાસ્પદ અને આયોજન વિનાનો છે કે ચોમાસા સમયે આ ઇજનેરો એવું તો શું કરી લેશે કે વડોદરા પૂરથી બચી જશે, તે મોટો સવાલ જનતાના મનમાં છે.આ ઇજનેરો પોતાની મૂળ ફરજ તો બજાવવાની જ છે, તેની સાથે સાથે આ મહાકાય પ્રોજેક્ટનું ગાડું પણ વધારાના હવાલા હેઠળ ખેંચવાનું રહેશે. 

પાલિકાનો આ નિર્ણય સાબિત કરે છે કે તેમને પ્રજાના હિતમાં કે પ્રોજેક્ટ પૂરો કરવામાં કોઈ રસ નથી, બસ ચોમાસામાં પોતાની ચામડી બચાવવા માટે આ છેલ્લી ઘડીની વહીવટી ગોઠવણ કરવામાં આવી છે.સૌથી ગંભીર અને આઘાતજનક બાબત એ છે કે જે 8 ઇજનેરોને આ વધારાનો બોજ સોંપવામાં આવ્યો છે, તેઓ પહેલેથી જ પાણી પુરવઠો, ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ અને રોડ પ્રોજેક્ટ જેવા અત્યંત વ્યસ્ત અને જનતા સાથે સીધા જોડાયેલા વિભાગો સંભાળી રહ્યા છે.વડોદરાના નાગરિકો હાલમાં જ ગંદા પાણી, તૂટેલા રસ્તા અને ઉભરાતી ગટરોની નર્કાગાર જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ આ વિભાગોના અધિકારીઓ પર કામનું ભારણ ઘટાડવાને બદલે, તેમના માથે વિશ્વામિત્રીનો ટોપલો પણ મૂકવામાં આવ્યો છે.વહીવટી તંત્રની આ ભયંકર આળસ અને નાકામીના કારણે હવે ન તો વિશ્વામિત્રીનું કામ ઠેકાણે પડશે અને ન તો શહેરના પ્રાથમિક પ્રશ્નો ઉકેલાશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પાલિકા પાસે આટલા મોટા પ્રોજેક્ટ માટે કાયમી અને અલગ સ્ટાફ રાખવાની કોઈ દાનત જ નથી.સ્માર્ટ સિટીનાં નામે ટેક્સના કરોડો રૂપિયા ખર્ચી નાખતા ભ્રષ્ટ સત્તાધીશો પ્રજાની આંખમાં ધૂળ નાંખવાનું બંધ કરે. વારંવાર પૂરના કારણે બરબાદ થતા વડોદરાવાસીઓને વિશ્વામિત્રીના નામે ક્યાં સુધી છેતરવામાં આવશે?પોતાની મૂળ જવાબદારીઓમાંથી છટકવા માટે હવે અધિકારીઓને પણ વધારાના ચાર્જનું આસાન બહાનું મળી ગયું છે. જનતા પૂછે છે કે આ આંધેર નગરી જેવા વહીવટમાં વડોદરાનો વિનાશ ક્યારે અટકશે?આ 8 ઇજનેરોની નિમણૂક માત્ર કાગળ પરના ઘોડા દોડાવવા અને ઉચ્ચ અધિકારીઓની નાકામી છુપાવવા સિવાય કશું જ નથી. તંત્રની આ ઉઘાડી લાપરવાહી વડોદરાને પાયમાલ કરીને જ જંપશે.

Reporter: admin

Related Post