દિલ્હી : ભારતીય સરહદે ચીનની અવળચંડાઇ હજુ ચાલુ છે , ખુદ ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે ચીન સાથે સરહદે વિવાદ ખતમ નથી થયો, જેને પગલે હાલ ભારતીય જવાનોને સરહદેથી હટાવવામાં નહીં આવે.
આ અહેવાલો વચ્ચે હવે અન્ય એક ખતરનાક માહિતી સામે આવી છે. ચીન એવા હેકર્સની આખી ફૌજ તૈયાર કરી રહ્યું છે જેનો ઉપયોગ ભારત સહિતના પાડોશી દેશોમાં આર્થિક સ્થિતિ ડામાડોળ કરવા માટે થઇ શકે છે. આ હેકર્સ ભારતીયોને નિશાન બનાવીને મોટી રકમ પડાવી રહ્યા છે. એટલુ જ નહીં ચીનમાં અન્ય દેશોને ટાર્ગેટ કરવા માટે હેકર્સને વિશેષ તાલિમ પણ અપાઇ રહી હોવાનો ખુલાસો થયો છે. દરમિયાન જાપાન પર ચીની હેકર્સ દ્વારા 200 જેટલા સાઇબર હુમલાનો રિપોર્ટ સામે આવ્યો છે.
તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી મેકેનિકલ એન્જિનિયર વિગ્નેશ્વર મુરુગનંધમ ચીનના હેકિંગ સ્કેમની લપેટમાં આવી ગયો હતો. તેની તાજેતરમાં ધરપકડ કરાતા આ સમગ્ર ખુલાસો થયો છે. તેની પૂછપરછમાં ચીન કઇ રીતે હેકર્સની ફૌજ તૈયાર કરી રહ્યું છે તે સામે આવ્યું છે. વિગ્નેશ્વરે જાપાનના કેટલાક લોકોને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જે બદલ તેની ધરપકડ કરાઇ હતી. તેણે પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે મને ઓનલાઇન ચીનના કેટલાક લોકોનો સંપર્ક થયો હતો. આ ચીનના લોકોએ મને કંબોડિયામાં કામ કરવાની લાલચ આપી હતી. જેને પગલે હું વર્ષ 2024માં કંબોડિયા જતો રહ્યો. મને મોટી સંખ્યામાં ભારતીય બેન્કોમાં ખાતા ખોલવાનું કહેવામાં આવ્યું હતું. મને એક હોટેલમાં રાખવામાં આવ્યો, શરૂઆતમાં મારાથી બધુ છુપાવવામાં આવ્યું. મારા માલિકે મને નહોતુ જણાવ્યું કે આ ખાતા દ્વારા મોટી રકમની હેરાફેરી થઇ રહી હતી.
Reporter: admin