લાગે છે કે મોસમ એક મોટો કાચિંડો છે જે ધારે ત્યારે રંગ બદલે છે ઉનાળાની વચ્ચે ચોમાસાની યાદ અપાવે છે. આજના દિવસે વાતાવરણ લગભગ વહેલી સવારથી જ પેણીમાં તળાતા ગરમાગરમ ભજીયા ના ઘાણવા જેવું હતું. આખી બપોર સૂરજ ધગધગતો રહ્યો પછી સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડ ના બંબાની માફક વાદળો નું મોટું ટોળું ઘસી આવ્યું અને તપેલા સૂરજને ચારે બાજુ થી ઢાંકી દઈને ઠંડો કરતા થોડી રાહત થઈ હતી. બહુ ઠંડો નહિ એવો પવન ફૂંકાવાનો શરૂ થયો. ઠંડા ઠંડા આઈસ્ક્રીમની મોસમમાં જાણે કે ભજીયાની યાદ આવી જાય એવું થયું.
એક ક્ષણ સૂર્યાસ્ત વહેલો થયો એવું ઘણાને લાગ્યું હશે.જો કે તેને લીધે આકરી ગરમી થી દાઝેલી સૃષ્ટિ ને બરનોલ ચોપડ્યા જેવી રાહત થઈ.પરંતુ વાદળોના ધાડેધાડા જોઈ ને ચુંટણી તંત્રના પેટમાં અવશ્ય ફાળ પડી હશે.એક તો મતદાનને આડે માત્ર ૪૮ કલાક બાકી રહ્યા છે ત્યારે મોસમ પલટાવા ના આ લક્ષણો સારા તો ન જ ગણાય.જો માવઠું મતદાનના દિવસ સુધી લંબાય તો મતદાન મથકે કેટલીક નવી વ્યવસ્થા કરવી પડે.પવન ફૂંકાય તો છાંયડા માટેના તંબુ ઉડી જાય.તંત્ર દ્વારા પરિસ્થિત પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે જે.ઇમરજન્સી પ્લાન તૈયાર જ હોય છે.
અને જો વરસાદ વાવાઝોડા વગર મંગળવાર સુધી વાતાવરણ ઠંડુ રહે તો ભયોભયો.પણ એના માટે ઉમેદવારોએ શુદ્ધ હૃદય થી પ્રભુ પ્રાર્થના કરવી પડે.અને ચુંટણીમાં બધું મળે પણ શુદ્ધ હૃદય સ્વસ્થ ચિત્ત ક્યાં થી લાવવું એ જ મોટી સમસ્યા હોય છે..ખરું ને!!!
Reporter: News Plus