કારામેલો કૂતરો વિવાદે ઉઠાવ્યું બ્રાઝિલ-મેક્સિકો વચ્ચે તણાવ: સાંસ્કૃતિક ઓળખ પર ચર્ચા ગરમ
વિશ્વમાં સામાન્ય રીતે દેશો વચ્ચેના વિવાદ સરહદ, વેપાર અથવા રાજકારણને લઈને થતા હોય છે, પરંતુ આ વખતે બ્રાઝિલ અને મેક્સિકો વચ્ચે ચર્ચાનું કારણ એક રખડતું કૂતરું બન્યું છે. બ્રાઝિલમાં મોટી સંખ્યામાં જોવા મળતું ભૂરા રંગનું દેશી કૂતરું ‘કારામેલો’ તરીકે ઓળખાય છે અને હવે તે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક ઓળખના વિવાદનું કેન્દ્ર બની ગયું છે.વિવાદની શરૂઆત એપ્રિલ મહિનામાં થઈ હતી, જ્યારે મેક્સિકોએ ‘પેરો કારામેલો’ને પોતાની સ્થાનિક જાતિ તરીકે માન્યતા આપીને તેને સાંસ્કૃતિક પ્રતીકનો દરજ્જો આપ્યો હતો. આ નિર્ણય બાદ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. લોકોનું કહેવું છે કે જે કૂતરું લાંબા સમયથી બ્રાઝિલની ઓળખ સાથે જોડાયેલું છે, તેના પર મેક્સિકોનો દાવો યોગ્ય નથી.રિયો ડી જાનેરોની રહેવાસી લુસિયાના સહિત ઘણા લોકોનું કહેવું છે કે કારામેલો બ્રાઝિલની ઓળખ છે અને તે માત્ર રખડતું પ્રાણી નથી પરંતુ લોકોના દૈનિક જીવન, મીમ્સ, ટી-શર્ટ્સ અને લોકપ્રિય સંસ્કૃતિનો ભાગ બની ગયું છે. ગયા વર્ષે આ વિષય પર ફિલ્મ પણ રજૂ થઈ હતી અને સંસદમાં તેને કરન્સી પર દર્શાવવાનો પ્રસ્તાવ પણ આવ્યો હતો.
બીજી તરફ મેક્સિકોના પશુ કલ્યાણ કાર્યકરોનું કહેવું છે કે આવા કૂતરા બંને દેશોમાં જોવા મળે છે અને આ સમગ્ર લેટિન અમેરિકાની સંયુક્ત સાંસ્કૃતિક ઓળખ છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ‘કારામેલો’ કોઈ શુદ્ધ નસલનો કૂતરો નથી, પરંતુ લગભગ 300 અલગ-અલગ નસલોના મિશ્રણથી બનેલો એક સામાન્ય સ્ટ્રીટ ડોગ છે. અભ્યાસ મુજબ પોર્ટુગીઝ, ઇટાલિયન, જર્મન, સ્પેનિશ અને જાપાનીઝ ઇમિગ્રેશનના કારણે વિવિધ નસલો બ્રાઝિલમાં આવી અને સમય સાથે આ મિશ્રણથી આ અનોખી જાતિ વિકસિત થઈ છે.હાલમાં બંને દેશોના પશુ પ્રેમીઓ એક બાબતે સહમત છે કે કારામેલો ભલે ક્યાંયનો ગણાય, તેને માત્ર રખડતું પ્રાણી નહીં પરંતુ એક સંરક્ષણ અને સન્માન લાયક સાથી તરીકે જોવું જોઈએ.
Reporter: admin







