જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર મંગળવારે રામબન જિલ્લાના રામસૂ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શ્રીનગરથી ડોડા તરફ જઈ રહેલા ટેમ્પો પર અચાનક પહાડ પરથી વિશાળ બોલ્ડર ધસી પડતાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
માહિતી મુજબ, ટેમ્પો (નંબર JK06B-9842) રામસૂ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પહાડ પરથી એક મોટો પથ્થર વાહન પર પડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે રામસૂ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને કાનૂની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
બચાવ કામગીરી દરમિયાન ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત ટેમ્પોને રસ્તા પરથી હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઈવે પર પડેલા કાટમાળ અને પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેથી વાહનવ્યવહાર ફરી શરૂ કરી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકો અને ઘાયલોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી. ખરાબ હવામાન અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રાફિક કંટ્રોલ રૂમથી માર્ગની સ્થિતિ અંગે માહિતી મેળવવાની તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
Reporter: admin







