પેઇન્ટિંગ મ્યુઝિયમ વિકસાવવાની દરખાસ્ત સંકલનમાંથી પરત મોકલાઇ, બાળુ શુક્લાની ફરી હાર..
સ્થાયી સમિતિની બેઠક પહેલા નમો ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળતી હોય છે. જેમાં દરખાસ્તો માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં ભાઉ તાંબેકરવાડાને ગુજરાત પેઇન્ટિગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાના કામની દરખાસ્ત ને સંકલનમાંથી પરત મોકલાઇ છે . સંકલનમાં સભ્યોએ ગુજરાત પેઇન્ટિગ મ્યુઝિયમનો વિરોધ કર્યો હતો,કારણકે આર્કિયોલોજી વિભાગને જ્યારે આ મ્યુઝિયમ સોંપી દેવાયું છે તો હવે મ્યુઝિયમનું ડેવલપમેન્ટ પણ એએસઆઇ દ્વારા જ કરવામાં આવે. કોર્પોરેશને નાહકનો બોજો ઉપાડવાની જરુર જ નથી. તેવો સૂર વ્યકત કરાયો હતો. આજની બેઠકમાં શહેર પ્રમુખ ડ઼ૉ જયપ્રકાશ સોની ગેરહાજર હતા અને 2 મહામંત્રી જશવંતસિંહ સોલંકી અને સત્યેન કુલાબકર હાજર હતા. બીજી તરફ સ્થાયીમાં મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં જરુરી કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પણ તેનો પણ ગેરંટી તથા સર્વિસના મુદ્દે વિરોધ થતાં આ દરખાસ્ત પણ સંકલનમાં નામંજૂર કરી દેવાઇ હતી. જો કે આજની સંકલન બેઠકમાં ફરીથી એક વાર સાબિત થયું હતું કે મેયર અને ચેરમેન વચ્ચે કોઇ સંકલન ન હતું.

શહેરના ભાઉ તાંબેરકરવાડાને ગુજરાત પેઇન્ટિગ મ્યુઝિયમ તરીકે વિકસાવાની દરખાસ્ત સ્થાયી સમિતી સમક્ષ કરાઇ છે. જો કે તે પહેલાં મળેલી સંકલનની બેઠકમાં સભ્યોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. સ્થાયી સભ્ય હેમિશા ઠક્કરે તો મ્યુઝિયમમાં જઇને ફોટા પાડ્યા હતા અને સંકલનમાં રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે પેઇન્ટિંગ જ જ્યારે ખરાબ છે તો આવા પેઇન્ટિગનું મ્યુઝિયમ બનાવવાની શું જરુરી છે. સભ્ય બંદિશ શાહે કહ્યું કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ મ્યુઝિયમની સાચવણી કરે છે ત્યારે તેની જવાબદારી છે કે મ્યુઝિયમનું ડેવલપમેન્ટ પણ તે જ કરે. પેઇન્ટિંગ મ્યુઝિયમ માટે રાજ્ય સરકારે 1 કરોડની મદદ કરવાનું કહ્યું છે. પછી સરકાર પાસે 3 કરોડની માગણી તો કરવાની જ રહેશે અને જ્યારે એએસઆઇ મ્યુઝિયમની જાળવણી કરે છે ત્યારે કોર્પોરેશને વધારાનો બોજો ઉંચકવાની જરુર નથી તેવો સૂર બેઠકમાં વ્યક્ત કરાયો હતો તેથી આ દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.બીજી એવી દરખાસ્ત છે કે જેનો પણ સંકલનમાં વિરોધ થયો હતો. કોર્પોરેશનના અલગ અલગ વિભાગ માટે કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ ખરીદવાની દરખાસ્તનો વિરોધ થતાં આ દરખાસ્ત નામંજૂર કરી દેવાઇ છે. સંકલનમાં સભ્યોએ જણાવ્યું કે કોમ્પ્યુટર માટે કંપની 1 વર્ષની ગેરન્ટી આપે છે. જો 5 વર્ષની ગેરન્ટી આપે તો જ આ દરખાસ્ત મંજૂર કરવી જોઇએ અને 5 વર્ષની સર્વિસ આપવાની પણ વાત કરાઇ હતી જેથી બેઠકમાંથી જ કોન્ટ્રાક્ટરને ફોન કરાયો હતો જેમાં સર્વિસ અને ગેરન્ટી વધારવાની વાત કરી હતી. જો કે કોન્ટ્રાક્ટરે ના પાડી દેતાં આ દરખાસ્તને નામંજૂર કરી દેવાઇ હતી. એક કોમ્પ્યુટરની કિંમત 75 હજાર હોવાનું જણાવાયું હતું.

મેયરનું કોમ્પ્યુટર પણ ખોટકાયેલું છે..
બેઠકમાં મેયર પિંકી સોનીએ કહ્યું હતું કે તમે કોમ્પ્યુટર મંગાવો છો પણ ક્યા કોમ્પ્યુટર બંધ હાલતમાં છે કે ખરાબ છે ? ક્યુ કોમ્પ્યુટર બદલવાનું છે.તેનું લિસ્ટ તો પહેલા આપો. તેમણે એમ કહ્યું કે મારુ કોમ્પ્યુટર પણ ચાલતું નથી. મેયરે પોતાનું કોમ્પ્યુટર ચાલતું ના હોવાનું જણાવીને રોષ પ્રગટ કર્યો હતો. જો કે આજની સંકલન બેઠકમાં ફરીથી એક વાર સાબિત થયું કે મેયર અને ચેરમેન વચ્ચે કોઇ સંકલન ન હતું. આજની બેઠકમાં શહેર પ્રમુખ હાજર ન હતા.
ધારાસભ્ય બાળુ શુક્લાની ત્રીજી દરખાસ્ત નામંજૂર...
ભાઉ તાંબેકરવાડાને પેઇન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાની દરખાસ્ત ધારાસભ્ય બાળુ શુક્લા દ્વારા આવી હોવાનું જાણવા મળે છે પણ સંકલનમાં આ દરખાસ્તને નામંજૂર કરી દેવાઇ હતી. છેલ્લા ત્રણ મહિનામાં બાળુ શુક્લા દ્વારા લવાયેલી દરખાસ્તોમાં નામંજૂર થયેલી દરખાસ્તોમાં આ ત્રીજી દરખાસ્ત છે. બાળુ શુક્લાની હમણાં માઠી દશા બેઠી છે અને કોર્પોરેશન તથા સંકલનમાં તેમનું હવે કોઇ સાંભળતું નથી...
સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામોને મંજૂરી...
મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 10 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી આઠ કામોને મંજુર કરી એક કામ પરત કરવામાં આવ્યું હતું જ્યારે એક કામને નામંજૂર કરાયું હતું. આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા, કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી,રોડ પ્રોજેક્ટ શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, આઇ ટી શાખા, ટુરિસ્ટ શાખા અને સ્ટ્રીટ લાઈટ વિભાગના કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા.જેમાંથી આઈટી શાખાનું વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ ખાતાઓમાં જરૂરી કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવાના કામને ના મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા શહેરના તાંબેડકર વાડા ને ગુજરાત પેન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાના બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના કામને પરત કરવામાં આવ્યું હતું જ્યારે બીજા આઠ કામોને મંજૂરી આપવામાં આવી હતી.


Reporter: admin