અહીં ગ્રાહકે એક બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું પરંતુ પેકેટમાં વેફરના બદલે મરેલો દેડકો નિકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. રણજિત સાગર રોડ પર આવેલા પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહકે બાલાજીની વેફર ખરીદી હતી. બાલાજી ક્રન્ચ નામની આ વેફરમાંથી દેડકો મળી આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો
બાલાજી વેફર્સ ના પેકેટમાંથી ફ્રાઇ થયેલો દેડકો મળી આવતા તેણે દુકાનના માલિકનું ધ્યાન દોર્યું હતું. દુકાન માલિકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. જેથી ગ્રાહક દ્વારા બાલાજી વેફર્સના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે તેમને કોઇ સંતોષજનક જવાબ નહીં મળતા તેમણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. જેના પગલે પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફૂડ શાખા દ્વારા બાલાજી વેફર્સના પેકેટને સીલ કર્યું હતું.જામનગર ફૂડ શાખા દ્વારા વેફર અને વિવિધ નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
બાલાજી ક્રન્ચ વેફર એક ખુબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે. જેમાં આ પ્રકારની બેજવાબદારી ક્યારે પણ સાંખી શકાય નહીં. ગ્રાહક સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ ખુબ જ આઘાતજનક બાબત હતી. આ પ્રકારની પ્રોડક્ટના કારણે મારી ધાર્મિક લાગણી દુભાણી છે. આ ઉપરાંત કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કર્યો છતા પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી હવે હું આ સમગ્ર મામલાને લઇને ગ્રાહક સુરક્ષામાં જઇશ. બાલાજીના એજન્સીનો સંપર્ક કરતા તેણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો.
Reporter: News Plus