News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે લોકોને મૂર્ખ બનાવાનો પ્રયાસ

2025-04-08 09:56:08
વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે લોકોને મૂર્ખ બનાવાનો પ્રયાસ


તળાવો ખાલી કરવાના કામના નેતાઓ અને અધિકારીઓએ ખાલી સીનસપાટા જ કર્યા, કામગિરી હજું શરુ જ નથી થઇ...
પૂર રોકવામાં સદંતર નિષ્ફળ ગયેલું કોર્પોરેશનનું તંત્ર આ વર્ષે નાગરિકોને ડુબાડશે?..
મેયર, કમિશનર અને ધારાસભ્યો તથા જે તે વિસ્તારના કોર્પોરેટરો માત્ર સીનસપાટા જ કરી રહ્યા છે...

વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાવાસીઓને ઉઠાં ભણાવી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધીકારીઓ શહેરના તળાવોને ઉંડા કરવાના બહાને ખાલી કરી નાખવાની મોટી મોટી વાતો કરી હતી પણ આ કામમાં પણ કોર્પોરેશન ઢીલાશ દાખવી રહ્યું છે. 


તળાવોમાં પંપ મુકીને નજીકની વરસાદી ગટર કે કાંસમાં તળાવનું પાણી ઠાલવી દેવાનું અને આ માટે 30 લાખનો ખર્ચ કરવાની જાહેરાત કરાઇ હતી પણ હજું સુધી આ કામગિરી શરુ જ કરવામાં આવી નથી. પૂર રોકવામાં સદંતર નિષ્ફળ ગયેલું કોર્પોરેશનનું તંત્ર  વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ચોમાસા પૂર્વે 29 તળાવો 50 ટકાથી ખાલી કરવાની કામગિરી કરવાનું કામ શરુ કરવાની જાહેરાતો કરાઇ છે જેથી કોર્પોરેશન તળાવોનું 109 કરોડ લિટર પાણી વહેવડાવી દેશે. કોર્પોરેશન એમ માને છે કે તળાવો ખાલી કરી દેવાથી આગામી ચોમાસામાં જો ભારે વરસાદ પડે તો આ તળાવો ફરી છલકાય નહીં અને તેથી ખર્ચો કરીને પણ આ તળાવો ખાલી કરવાનો કારસો રચાયો છે. જે તળાવો ખાલી કરવાના છે તેમાં સમા તળાવ, કાશિવિશ્વનાથ તળાવ, કમલાનગર તળાવ, એલ એન્ડ ટી તળાવ, ખોડીયારનગર તળાવ, એરફોર્સ તળાવ, નાની અને મોટી બાપોદ તળાવ, પટેલ પાર્ક તળાવ , ગોરવા તળાવસ બોરીયા, કરોડીયા ઉંડેરા લક્ષ્મીપુરા તથા ગોત્રી અને વાસણા તળાવ ઉપરાંત ભાયલી, તાંદલજા, સુભાનપુરા, અટલાદરા, કલાલી અને બિલ ગામ તથા તરસાલી તળાવ ઉપરાંત કપુરાઇ તળાવ , ઘાઘરેટીયા તળાવ અને દંતેશ્વર તળાવનો સમાવેશ થાય છે. 



વાસ્તવમાં ઉનાળામાં આ રીતે તળાવો ખાલી કરાય જ નહીં ખરેખર તો કોર્પોરેશને આ માટે ચોક્કસ પ્લાનિંગ કરીને આ કામ શરુ કરવું જોઇતું હતું પણ આ તળાવો ખાલી કરવાનું કામ માત્ર કાગળ પર જ હોવાનું જાણવા મળે છે.  ખરેખર તો તળાવમાં જે કાંસોમાંથી પાણી આવે છે તે કાંસોનીપહેલા સફાઇ કરવી જોઇએ અને એક તળાવમાંથી બીજા તળાવમાં જતી કાંસોને પણ સફાઇ કરવી જરુરી છે. શહેરના મેયર, કમિશનર અને ધારાસભ્યો તથા જે તે વિસ્તારના કોર્પોરેટરો માત્ર સીનસપાટા જ કરી રહ્યા છે. આ નેતાઓ અને કમિશનર તળાવોની સફાઇની મોટી મોટી વાતો કરે છે પણ ટાઇમસર કામ પણ શરુ કરી શક્યા નથી. માત્ર એક બે તળાવોમાં પંપ મુકીને ફોટા પડાવી લીધા છે અને હવે તળાવોમાં પાણી બહું હોવાથી ઉનાળામાં 15 એપ્રીલ  પછી તળાવોમાંથી પાણી ઉલેચવાનું શરુ કરાશે. બીજી તરફ પર્યાવરણવાદીઓ માની રહ્યા છે કે તળાવોમાં પાણી હશે તો આસપાસના વિસ્તારોનું ભૂગર્ભજળ ઉંચું આવશે અને ઉનાળામાં લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે કારણ કે પાલિકાના પાપે વડોદરામાં સોસાયટીઓમાં તો લોકોને હવે બોરવેલ જ બનાવવા પડ્યા છે અને કોર્પોરેશનનું પાણી પુરતા દબાણથી અને યોગ્ય રીતે ના મળતું હોવાથી લોકોને બોરવેલના મીઠા પાણી પર જ આધાર રાખવો પડે છે. જો આ રીતે તળાવો ખાલી કરાશે તો ભૂગર્ભજળ ઉંચા જશે તેટલી સામાન્ય સમજ પણ કોર્પોરેશનના અધિકારીઓ અએને નેતાઓને નથી.  

જનતાને મૂર્ખ બનાવાનો પ્રયાસ કેયુર રોકડિયાએ કર્યો હતો...
ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે મેયર હતા અને ડો હિતેન્દ્ર પટેલ ચેરમેન હતા ત્યારે વડોદરાની જનતાને મુર્ખ બનાવવા માટે બંને જણાએ ભેગા થઈને ગૌમુત્ર અને આયુર્વેદિક મિશ્રણ તળાવમાં નાંખીને,મંત્રોચ્ચાર કરાવીને કોઈ મળતીયાને- ખાનગી એજન્સીને કામ સોંપ્યું હતું. કાશી વિશ્વનાથ તળાવમાં આ પ્રયોગ કર્યો હતો. બીજા તળાવમાં પણ આ પ્રયોગ કરવાના હતા. રનીંગ મીટરએ ભાવ નક્કી થયા હતા.તળાવોની જૈવિક સફાઇના નામે જનતાને ઉલ્લુ બનાવાઇ હતી. 

બ્યુટિફિકેશનના નામે કરોડોનો ભ્રષ્ટાચાર...
મહત્વની વાત એ છે કે પર્યાવરણીય દ્રષ્ટીએ તળાવો ખુબ જ જરુરી છે. ગાયકવાડી શાસન સમયે મહારાજાએ સમજી વિચારીને શહેરમાં તળાવોનું નિર્માણ કર્યું હતું પણ કોર્પોરેશનના શાસકોએ તળાવો ગાયબ કરી દીધા છે અને હવે આ રીતે તળાવોનું પાણી વહેવડાવી દેવાનો કારસો રચ્યો છે. તળાવોના કારણે આજુબાજુના વિસ્તારોનું ભૂગર્ભજળ ઉંચું આવે છે અને લોકોને સહેવાથી પાણી મળી રહે છે. બ્યુટિફીકેશનના નામે તળાવો બરબાદ કરાઇ રહ્યા છે. કરોડોના ખર્ચો બ્યુટિફીકેશન થાય છે પણ તળાવોની કુદરતી સુંદરતા અદ્રષ્ય થઇ જાય છે. બ્યપુટિફીકેશનના નામે પણ કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.  કોર્પોરેશનના વહિવટદારો, નેતાએ અને કોન્ટ્રાક્ટરો એકબીજાના મેળાપીપણામાં તળાવોની દુર્દશા કરી રહ્યા છે. 

શહેરમાંથી તળાવો જ ગાયબ કરી દેવાયા છે..
વડોદરા શહેરમાં આ વર્ષે પૂર ના આવે તે માટે કોર્પોરેશનના કમિશનર અને મેયર કરોડો રુપિયાનું આંધણ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રીની સાફસફાઇ અને તળાવો ઉંડા કરવાના કામો કરી રહ્યા છે પણ કમિશનર અને મેયરને કદાચ ખબર નહીં હોય કે એક સમયે વડોદરામાં 155 જેટલા નાના મોટા તળાવો હતો અને તેમાંથી 112 તળાવો હાલ પુરાઇ ગયા છે અને ગાયબ થઇ ગયા છે. તળાવો પર મોટી મોટી ઇમારતો બની ગઇ છે. જેટલું કામ વિશ્વામિત્રી નદી પર ફોકસ કરાઇ રહ્યું છે તેટલું જ કામ આ તળાવોની સાચવણી પર પણ થવું જોઇએ પણ જેમાં મલાઇ મળે તે કામ પહેલાં કરવા તે કોર્પોરેશનના અધિકારીઓનો વણલખ્યો નિયમ છે તે મુજબ ભલે વડોદરામાં તળાવો પુરાય  પણ તેમાંથી પણ આખરે મલાઇ તો મળે છે તેમ સમજીને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

તળાવો ખાલી કરવાની કામગિરી 15 એપ્રીલ પછી શરુ થશે...
પહેલા ખાલી તળાવોમાંથી પાણી ખાલી કરી શકાય છે કે કેમ તેનો ટ્રાયલ લેવાયો હતો પણ તળાવોમાં પાણી બહું હોવાથી હવે 15 એપ્રીલ પછી તળાવો ખાલી કરવાનું કામ શરુ કરાશે. હજું કામગિરી શરુ થઇ નથી

ધાર્મિક દવે, અધીકારી, કોર્પોરેશન

Reporter: admin

Related Post