News Portal...

Breaking News :

પ્રવેશ સમસ્યાના મૂળમાં આર્ટસ કોમર્સ અને સાયન્સના પાયાના અભ્યાસક્રમોમાં કોમન પ્રવેશની વ્યવસ્થા છે

2024-06-27 14:59:00
પ્રવેશ સમસ્યાના મૂળમાં આર્ટસ કોમર્સ અને સાયન્સના પાયાના અભ્યાસક્રમોમાં કોમન પ્રવેશની વ્યવસ્થા છે


ગુજરાતની ૧૧ સરકારી યુનિવર્સિટીઓ ને જાહેર વિશ્વવિદ્યાલય ધારા ૨૦૨૩ હેઠળ સમાવી લેવામાં આવી છે.આ વ્યવસ્થા કોમન એક્ટ તરીકે જાણીતી છે.તેમાં તમામ વિશ્વવિદ્યાલયો ના વિવિધ કોર્સિસમાં એક છત્રી પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો આધાર મેરીટ એટલે કે વિશેષ યોગ્યતા રાખવામાં આવ્યો છે.આ પ્રવેશ પદ્ધતિ gcas તરીકે ઓળખાય છે.વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની વાત કરીએ તો હાલમાં કોમર્સ,આર્ટસ અને સાયન્સ( બી.કોમ.,બી. એ.અને બી.એસસી)માં આ સહિયારી પ્રવેશ વ્યવસ્થા હેઠળ પ્રવેશના પહેલા દોર પછી અંદાજે ૩૨૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે.



બીજી તરફ સ્થાનિક વિદ્યાર્થીઓ ને પ્રવેશ ન મળવા બાબતે ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ સમસ્યાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામા મુકાયા છે.બુદ્ધિજીવીઓ એ પણ આંદોલનને ટેકો આપ્યો છે.ઉકેલના આશ્વાસન રોજ આપવામાં આવે છે.પણ ઉકેલ ક્યાંય નજરે પડતો નથી.એક ખૂબ અભ્યાસુ નેત્ર સર્જન તબીબે શરૂઆતમાં જ કહ્યું હતું કે વિનયન(બી. એ),વાણિજય ( બી. કોમ )કે વિજ્ઞાન( બી. એસસી) ના મૂળ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશની એકત્રિત વ્યવસ્થા યોગ્ય નથી. એ મુશ્કેલીઓ સર્જશે.અને એવું જ થયું છે.એક તરફ ૩૨૦૦ બેઠકો ખાલી છે બીજી તરફ પ્રવેશ માટે ખાસ કરીને સ્થાનિક વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે ઓછા ટકાએ આ મૂળ કોર્સીસ માં સ્થાનિક નિવાસી યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે તેમ નથી.યાદ રહે આ યુનિવર્સિટીની કલ્પના અને સ્થાપના સયાજી મહારાજની દીર્ઘદૃષ્ટિ હેઠળ કરવામાં આવી હતી અને તેનો આશય વડોદરા રાજ્યની રૈયત ના સંતાનોને ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પૂરું પડવાનો હતો.અત્યાર સુધી આ યુનિવર્સિટી સ્વાયત્ત હતી,પોતાના નિર્ણયો પોતે લઈ શકતી હતી.હવે એ પરતંત્ર,આશ્રિત યુનિવર્સિટી બની ગઈ છે.એક તો આ કાયદો ૨૦૨૩ માં ઉતાવળે પસાર કરવામાં આવ્યો.અને બીજું કે તેમાં અન્ય ૧૦ યુનિવર્સિટીઓ સાથે એમ.એસ.યુનિવર્સિટી,જે અંગ્રેજી માધ્યમની,સ્વાયત્ત, નિવાસી અને પોતાના સ્વતંત્ર પ્રવેશ અને અન્ય નિયમો ધરાવતી યુનિવર્સિટી હતી તેને પણ પરાણે સમાવી લેવામાં આવી.પરાણે એટલા માટે કે ૨૦૧૭ માં આવો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જે વડોદરાના પ્રબળ વિરોધના લીધે સફળ થઈ શક્યો ન હતો.ગાયકવાડે ભારત સરકારમાં વિલીનીકરણ કર્યું એટલે આપોઆપ વડોદરાની રૈયત તરીકેનો વિશેષ દરજ્જો હટી ગયો અને ગુજરાતની રૈયતનો દરજ્જો મળ્યો.એમાં લાંબાગાળે વડોદરાના વિદ્યાર્થીઓ ને આ નુકશાન સહન કરવાનું આવ્યું.વડોદરા રાજ્ય આઝાદી અગાઉ આ યુનિવર્સિટી માટે નાણાં ની વ્યવસ્થા કરતું હતું.એમણે રાજ્ય ભારત સરકારને સોંપ્યું.કોઈ એવી દલીલ કરશે કે હવે ભારત સરકાર( યુ.જી.સી.) અને ગુજરાત સરકાર યુનિવર્સિટીના સંચાલન માટે આર્થિક વ્યવસ્થા કરે છે એટલે આડકતરા  સંચાલન નો એને અધિકાર છે.એ દલીલ સંપૂર્ણ સાચી નથી.ભારત સરકારે જ્યારે વડોદરા રાજ્યનું શાશન સ્વીકાર્યું ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સમયની શિક્ષણ સંસ્થાઓના સંચાલન માટે એણે આર્થિક વ્યવસ્થા કરવી પડે. એ કોઈ ઉપકાર નથી.


વડોદરા રાજ્યનો આશય એના વિદ્યાર્થીઓ ને ઘર આંગણે ભણવાની વ્યાજબી ખર્ચે સુવિધા આપવાનો હતો.સ્થાનિક પ્રવેશને અગ્રતાનો નિયમ હતો.એટલે હવે ભલે રાજ્ય કે કેન્દ્ર સરકાર સંચાલન કરે પરંતુ મહારાજે જ્યારે રાજ્ય વિલીન કર્યું ત્યારે વિશ્વવિદ્યાલય ની સ્વાયત્ત્તા નું વિલીનીકરણ ન હતું કર્યું. વર્ષો સુધી નિવાસી યુનિવર્સિટી નો દરજ્જો અને સ્વાયત્તતા ચાલુ રહી.એટલે મૂળ કોર્સિસમાં પ્રવેશની બાબતમાં યુનિવર્સિટી ને સ્વાતંત્ર રાખવી જરૂરી છે.ઇજનેરી કે મેડિકલ માં કોમન પ્રવેશ વ્યવસ્થા જરૂરી અને અનિવાર્ય છે.અને એ તો ક્યારનુંય લાગુ પડી ગયું છે.પરંતુ વિજ્ઞાન,વાણિજ્ય અને વિનયન ના પાયાના કોર્સિસમાં કોમન પ્રવેશ વ્યવસ્થાથી ગૂંચવાડો સર્જાયો છે.આ કોર્સિસ અગત્યના છે પરંતુ ઇજનેરી કે તબીબી કોર્સ માટે આર્થિક નબળો વાલી પોતાના સંતાનને ઉછીના પાછીના કરીને અન્ય શહેરોમાં ભણાવવાનું પસંદ કરે.પરંતુ આ કોર્સિસ માટે એ એવું ના કરે.સ્થાનિક શિક્ષણ સુવિધા મળે તો જ ભણાવે.અન્યથા શિક્ષણ છોડાવે અથવા અન્ય કોઈ વિકલ્પ કમને અપનાવે.એટલે આ મૂળ અભ્યાસક્રમોમાં પ્રવેશની સત્તા જે તે શિક્ષણ સંસ્થાઓ પાસે  જ રાખવી જોઈએ.હા,જરૂર લાગે તો બહારના વિદ્યાર્થીઓ માટે મેરીટ પ્રમાણે ૧૦ ટકા અને સ્થાનિક અધીવાસ વાળા વિદ્યાર્થીઓ માટે ૯૦ ટકા બેઠકો ની જોગવાઇ રાખવી જોઈએ.બીજી બાજુ,ધોરણ બારનું પરિણામ ઊંચું આવતું જાય છે અને બેઠકો ઘટતી જાય છે એટલે સંતુલન વધુ બગડે છે.કહેવાનું તાત્પર્ય એ છે કે આ ગૂંચવાડો નિવારવા પ્રત્યેક યુનિવર્સિટી ઉપરોક્ત કોર્સિસ માં પોતાના નિયમો મુજબ પ્રવેશ આપે એવી સરળ વ્યવસ્થા ફરીથી જીવંત કરવાની જરૂર છે.આ બાબતમાં સમજદારી નો અભિગમ વધુ યોગ્ય ગણાશે.અન્યથા દર વર્ષે આ સમસ્યા માથું ઊંચકશે અને શિક્ષણના દિવસો બગડશે.હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) ની મહાસભામાં યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ સ્વ.વિદુષી હંસા મહેતાને ભારતના તેજસ્વી મહિલા ડીપ્લોમેટ્સ પૈકીના એક તરીકે વિમેન ડિપ્લોમસી ડે ની ઉજવણી માં વિશેષ સન્માન આપવામાં આવ્યું. એમણે આ યુનિવર્સિટીનું ઘડતર કર્યું છે.વિશ્વ સંસ્થા એમને આદર થી યાદ કરે તે સમયે અહીં પ્રવેશની કાગારોળ શોભે છે ખરી?

Reporter: News Plus

Related Post