News Portal...

Breaking News :

હંગામી અધ્યાપકોની નિમણૂક : ૮૦૦ જેટલી પોસ્ટ માટે ૩૫૦૦ જેટલી અરજીઓ મળી

2025-05-01 11:09:44
હંગામી અધ્યાપકોની નિમણૂક : ૮૦૦ જેટલી પોસ્ટ માટે ૩૫૦૦ જેટલી અરજીઓ મળી


વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોની નિમણૂકની પ્રક્રિયાના ભાગરુપે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી.આજે  અરજી કરવાનો છેલ્લો દિવસ હતો અને અલગ અલગ કેટેગરીમાં ૮૦૦ જેટલી પોસ્ટ માટે ૩૫૦૦ જેટલી અરજીઓ આવી છે.



મળતી વિગતો પ્રમાણે સત્તાધીશોએ ચાર કેટેગરી માટે અલગ અલગ જાહેરનામુ બહાર પાડયું હતું.જેમાં કાયમી અધ્યાપકોની ખાલી જગ્યાઓ પર થતી  ટેમ્પરરી આસિસટન્ટ તેમજ ટેમ્પરરી લેકચરરની પોસ્ટ માટે ૧૯૮૪, ફિઝિકલ હેન્ડિકેપ કેટેગરી માટે ૧૭૮, હાયર પેમેન્ટ પ્રોગ્રામમાં હંગામી અધ્યાપકોની નિમણૂક માટે ૯૨૧ અરજીઓ આવી છે.ચાર વર્ષના કોન્ટ્રાકટ પર અધ્યાપકોની નિમણૂકની કેટેગરીમાં ૪૦૭ ઉમેદવારોએ અરજી કરી છે.


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પહેલી વખત હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવામાં આવ્યો છે.આમ ૫૦ ટકા બેઠકો અનામત કેટેગરીના ઉમેદવારો માટે રહેશે. ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, તા.૧૬ જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.આ પહેલા તમામ ફેકલ્ટીમાં ઈન્ટરવ્યૂ થઈ જાય અને ઉમેદવારોની નિમણૂક થઈ જાય તેવો ટાર્ગેટ છે.જેથી કરીને તા.૧૬ જૂનથી શિક્ષણકાર્ય પણ શરુ કરી શકાય.ફેકલ્ટીઓ દ્વારા ઈન્ટરવ્યૂનું ટાઈમ ટેબલ પણ બનાવવાનું શરુ કરી દેવાયું છે.

Reporter: admin

Related Post