News Portal...

Breaking News :

એન્ટી પેપર લીક કાયદો અમલમાં, પેપર લીક કરનારાઓને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ

2026-08-01 17:53:37
એન્ટી પેપર લીક કાયદો અમલમાં, પેપર લીક કરનારાઓને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ

દેશભરમાં જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાઈ રહે અને પેપર લીક જેવી ગેરરીતિઓ પર કડક રોક લગાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) (સુધારા) વિધેયક, 2026 હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. શુક્રવારે બહાર પાડવામાં આવેલી રાજપત્ર સૂચના મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ વિધેયકને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાએ આ વિધેયકને મંજૂરી આપી હતી. નવા કાયદાના અમલ બાદ હવે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓ સામે વધુ કડક કાર્યવાહી થઈ શકશે.

નવા કાયદા મુજબ પ્રશ્નપત્ર લીકના દરેક કેસની તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. વ્યક્તિગત રીતે પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કરતા દોષિત સાબિત થનારને ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સાથે જ તેના પર ₹50 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો પેપર લીક કોઈ સંગઠિત ગુનાહિત ગેંગ અથવા નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો સંબંધિત આરોપીઓને ઓછામાં ઓછા સાત વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીનો ભારે દંડ થઈ શકે છે. સરકારનું માનવું છે કે આ કડક જોગવાઈઓથી પેપર લીકના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

તાજેતરના વર્ષોમાં NEET સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના બનાવો સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વિવિધ રાજકીય પક્ષોએ કડક કાયદાની માંગ ઉઠાવી હતી. આ પૃષ્ઠભૂમિમાં સરકાર આ સુધારાત્મક કાયદો લઈને આવી છે. જોકે કોંગ્રેસે આ કાયદા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે માત્ર કડક સજા અથવા ફાસ્ટ-ટ્રેક કાર્યવાહી પૂરતી નથી, પરંતુ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે વ્યાપક અને સંસ્થાગત સુધારાઓ પણ જરૂરી છે. સરકારનું કહેવું છે કે નવા કાયદાથી લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ મજબૂત બનશે અને ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધુ નિષ્પક્ષ અને વિશ્વસનીય બનશે.

Reporter: admin

Related Post