વડોદરા શહેરમાં દિવસેને દિવસે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે વહેલી સવારે શહેરના રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પર આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુખ્ય માર્ગ પર આવેલી 4 દુકાનમાં વિકરાળ આગ લાગતાં ભારે નુકસાન થયું હતું.
આ મામલે મળતી પ્રાથમિક વિગતો અનુસાર વડોદરા શહેરના રાવપુરામાં આવેલા ટાવર ચાર રસ્તા પર સવારે 4.30 વાગ્યાની આસપાસ દુકાનોમાં આગ લાગી હતી. એક દુકાનમાં લાગેલી આગની ઝપેટમાં અન્ય ત્રણ દુકાનો આવી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાંની સાથએ દાંડીયા બજાર, વડી વાડી, પાણીગેટ, ગાજરાવાડીની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગને લઈ આસપાસ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.આગની ઘટના વિશે જણાવતા ફાયર ફાઈટર તિલકસિંગ રાઠોડે જણાવ્યું હતું, વહેલી સવારે રાવપુરા ટાવર વિસ્તારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેને પગલે ચાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
જોકે આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.મહત્વનું છે કે આ ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની સાથે MGVCL અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે આ દુકાનોમાં ત્રણ મેડિકલ સ્ટોર સહિત ચાર દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. જોકે સદનસીબે મોટી જાનહાની થતાં ટળી હતી. આ વિશે વાત કરતાં સ્થાનિક જયેશ પટેલે જણાવ્યું હતું કે, રાવપુરા ટાવર માર્ગ પર પહેલી સવારો એક દુકાનમાં આગ લાગી હતી. જોકે આગ વધુ ફેલાતા અન્ય ત્રણ દુકાનો પણ તેની ઝપેટમાં આવી હતી. હાલ પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું લાગી રહ્યું છે. જોકે તપાસ બાદ આગ લાગવાનું મુખ્ય કારણ સામે આવશે.
Reporter: News Plus