અમદાવાદ ફાયર બ્રિગેડના પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવીઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને આણંદ એસીબીએ 65 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
ઇનાયત શેખે બિન્ધાસ્ત બનીને પોતાની જ ઓફિસમાં ફરિયાદીને લાંચ આપવા બોલાવ્યા હતા જ્યાં એસીબીએ છટકું ગોઠવીને તેમને 65 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા.એસીબીએ જણાવ્યું કે ઇનાયતહુસેન ઇબ્રાહીમ શેખ હોદ્દો – ડીવીઝનલ ફાયર ઓફિસર, પ્રહલાદનગર ફાયર સ્ટેશન (રહે, 102 સ્ટાફ કવાટર્સ, પ્રહલાદનગર ફાયર સ્ટેશન , પ્રહલાદનગર, અમદાવાદ શહેર ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસના ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. ફરીયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનુ કન્સલ્ટીંગનુ કામ રાખેલ હોય જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી ઇનાયત શેખની કચેરી ખાતે મોકલી આપી હતી.
આ ફાયર એન.ઓ.સી. અંદાજીત ત્રણ મહીના સુધી ના મળતા ફરીયાદી ઇનાયત શેખને તેઓની કચેરી ખાતે રૂબરૂમાં મળ્યા હતા જ્યાં ઇનાયત શેખે ફાયર એન.ઓ.સી. આપવાના અવેજ પેટે 80 હજારની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદીએ લાંચના નાણા આપ્યા ન હતા. જે બાદ ફરીયાદીને ફાયર એનઓસી મળી ગઇ હતી. ત્યારબાદ ઇનાયત શેખે ફરીયાદીને રૂબરૂમાં મળી ફરીયાદીને મળી ગયેલ ફાયર એન.ઓ.સી. ના વ્યવહારના 80 હજાર નહી આપે તો ભવિષ્યમાં ફરીયાદીની ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ગર્ભિત ધમકી આપતા ફરીયાદી પાસેથી જે તે દિવસે 15 હજાર લઇ લીધેલ અને બાકીના 65 હજારની અવાર નવાર માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપી હતી.ત્યારબાદ એસીબીએ ફરીયાદીની ફરીયાદ આધારે આજે પ્રહલાદનગર ફાયર સ્ટેશન, બીજે માળ, ડીવીઝનલ ફાયર ઓફિસની કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું જેમાં ઇનાયત શેખે ફરીયાદી સાથે લાંચની માંગણી સંબંધેની વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા 65 હજાર સ્વીકાર્યા હતા અને એસીબીએ લાંચના 65 હજાર રંગેહાથે લેતા ઇનાયત શેખને ઝડપી લીધા હતા.
Reporter: admin