વડોદરા: શિનોર તાલુકાના પરિણીત પ્રેમી તેમજ વડોદરાની પ્રેમિકા વચ્ચે ખટરાગ થયા બાદ આવેશમાં આવી જઇને પ્રેમીએ કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.
આપઘાત પહેલાં હાથથી લખેલ એક ચિઠ્ઠી મળતાં પોલીસે કબજે કરી હતી.આ અંગેની વિગત એવી છે કે શિનોર તાલુકાના મોટાકરાળા ગામમાં રહેતા રણજીતના લગ્ન જ્યોતિકા સાથે થયા હતાં. લગ્ન બાદ રણજીત વડોદરાની મંજુલા રાઠોડ નામની યુવતી સાથે સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તા.૧૮ના રોજ રણજીત પોતાની બાઇક લઇને વડોદરા ખાતે પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ વખતે રણજીતનો મંજુલા સાથે ઝઘડો થયો હતો જેથી રણજીત પોતાના ગામ પરત ફરતો હતો.
રણજીત અને મંજુલા વચ્ચે ઝઘડો થયો છે તેની જાણ રણજીતના ભાઇ સંદિપ વસાવાને થતાં તે તેમજ રણજીતની પત્ની બંને વડોદરા આવવા માટે નીકળ્યા હતાં ત્યારે ડભોઇ તાલુકાના તેનતલાવ ગામની સીમમાં કેનાલ પાસેથી રણજીતની બાઇક મળી હતી અને બાઇક પર થેલી લટકાવેલી હતી જેમાંથી એક નોટબુક તેમજ પેન મળી હતી. આ નોટમાં રણજીતે જાતે હાથથી લખ્યું હતું કે અંગત કારણને લીધે પગલું ભરું છું, આમા કોઇનો વાંક નથી.બાઇક મળી પરંતુ રણજીત લાપત્તા હતો જેથી તેને કેનાલમાં ઝંપલાવ્યું છે તેમ માની શોધખોળ હાથ ધરતાં આખરે રણજીતની લાશ આજે કરાડાની આંતી કેનાલમાંથી મળી હતી. આ અંગે ચાણોદ પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: admin