વડોદરા :શહેરના હરણી વિસ્તારમાં રહેતા મિત્રને 11 મહિનામાં ત્રણ ગણી રકમ કરવાના નામે ફસાવી 12 લાખ પડાવી લેનાર પૂણેની કંપનીના બે ઠગ એજન્ટ ને પોલીસે ઝડપી પાડ્યા છે.
હરણીના સિદ્ધાર્થ સ્ક્વેરમાં રહેતા એન્જિનિયર મિલન શાહે તેના મિત્રો દ્વારા ડિસેમ્બર 2022 માં પુણેની માર્ક વર્લ્ડ નામની કંપનીની આઇડી લઈને 11 મહિનામાં ત્રણ ગણી રકમ કરવાની સ્કીમમાં ફસાવી 12 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. હરણી પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધ્યો હતો. જેમાં એકની ધરપકડ થઈ હતી અને ત્રણ ફરાર હતા.
ફરાર થયેલા આરોપીઓ પૈકી એન્જિનિયરના બે મિત્રોને ક્રાઈમ બ્રાન્ચે આંકલાવ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલાઓમાં મનુ છગનભાઈ સોલંકી (પામોલ ગામ, નહેર પાસે, બોરસદ,આણંદ) અને માનવેન્દ્ર દિલીપસિંહ ગોહિલ (શ્રીજી પાર્ક સોસાયટી, બોરસદ, આણંદ હાલ રહે કોયલી, ઓમકાર રેસીડેન્સી, વડોદરા) નો સમાવેશ થાય છે.
Reporter: admin