વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન સ્થાપના અને વિસર્જનના પ્રતિબંધોનું પાલન કરવા અંગે કાયદાની લાગુ પડતું જોગવાઈઓને અનુલક્ષીને પ્રતિબંધિત હુકમો કર્યા છે.
શહેરમાં પાણી અને પર્યાવરણમાં થતાં પ્રદૂષણને અટકાવવાના હેતુથી ધાર્મિક પ્રસંગો દરમ્યાન દુર્ગા દેવીની મૂર્તિઓની બનાવટમાં તેમજ વિસર્જનમાં જાહેર હિતમાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવી છે.પાણી તથા પર્યાવરણને તથા પ્રદૂષણને અટકાવવા અંગે વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઠરાવો તેમજ ગાઈડલાઈનને નક્કી કરવામાં આવી છે.
તે મુજબ મૂર્તિની ડીઝાઈન, રચના અને ઉંચાઈ જે જાહેર જીવનની સલામતી માટે જોખમી હોય, દુર્ગા માતાજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગો ઉપર પરિવહન કરવા પર, વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુર્ગા માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે નિયત કરવામાં આવનાર સ્વીકાર કેન્દ્રો સિવાયના અન્ય કુદરતી સ્થળે મૂર્તિઓના વિસર્જન કરવા અંગે, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા ઉપર, દુર્ગા માતાજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ કલાકારોએ વધેલ તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાન વાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા તથા વેચાણ ઉપર, દુર્ગા માતાજીઓની મૂર્તિઓના વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો બે દિવસ કરતાં વધુ દિવસ સુધી રાખવા ઉપર, પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, કોઈપણ આયોજક/ વ્યક્તિ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતાં કુદરતી જલ સ્ત્રોત જેવા કે તળાવ, કૂવા, નદી, નહેર, વગેરે જેવી જગ્યાએ માં દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર અને મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ/ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઠરાવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિ મૂર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે.વડોદરા શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.
Reporter: admin