News Portal...

Breaking News :

સાવરકુંડલામાં યુવકને સિંહે ફાડી ખાધો: મૃતદેહથી થોડે દૂર મૃતકનું બાઈક અને ચપ્પલ મળ્યા

2025-03-07 10:21:01
સાવરકુંડલામાં યુવકને સિંહે ફાડી ખાધો: મૃતદેહથી થોડે દૂર મૃતકનું બાઈક અને ચપ્પલ મળ્યા


સાવરકુંડલા: પંથકની ખાલપર-હઠીલા ગામની સીમ વિસ્તારમાં માલધારીઓ ઢોર ચરાવવા ગયેલા ત્યારે ત્યાં એક માનવ મૃતદેહ મળી આવતાં તાત્કાલિક ગામમાં જઈ આ ઘટનાની વાત કરી હતી. 


ગ્રામજનોએ તપાસ કરતા આ મૃતદેહ ખાલપર ગામના જમાઈ નદીમ નજીરભાઈ કુરેશી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહનું અવલોકન કરતાં સિંહ જેવા વન્યપ્રાણીએ હુમલો કરી ચૂંથી નાંખી પગ સહિતના અંગો ખાધા હોવાનું ગ્રામજનોનાં ધ્યાને આવતા તાત્કાલિક આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. મૃતદેહથી થોડે દૂર મૃતકનું બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. બાઈક પાસે સિંહનાં પગલાનાં સગડ મળી આવતા વન વિભાગે આ યુવકને સિંહે ફાડી ખાધો હોવાનું જણાવ્યું હતું. આ સાથે માનવભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા વનખાતા દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. 


મૃતક યુવક નદીમ નજીરભાઈ કુરેશી બસમાં ક્લીનર તરીકે કામ કરતો હતો અને પોતાના સસરાના ખાલપર ગામે રાત્રીનાં સમયે આવીને સીમ વિસ્તારમાં  બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કર્યાનું તારણ નીકળ્યું છે.છેલ્લા 15 દિવસમાં સિંહોએ 3 લોકોને ફાડી ખાધાની ઘટનાઓ બનવા પામી છે. આવી ઘટનાઓ બનવા છતાં વનખાતુ હજુ લોકજાગૃતિનાં ગાણાં ગાઈ રહ્યું છે. માનવીઓ પર સિંહોનાં સતત વધતા જતાં હુમલા રોકવામાં વનખાતુ સદંતર નિષ્ફળ નિવડયું છે. વનખાતાની કામગીરી બાબતે અનેક સવાલો ઉભા થયા છે. સિંહોનાં હુમલાને રોકવાને બદલે વન અધિકારીઓ લોકોને સિંહથી બચવા માટેની સલાહ આપી રહ્યાં છે.

Reporter: admin

Related Post