ભુજ: કોરોનાકાળ બાદ હાર્ટ એટેક એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે અને અચાનક હૃદય ધબકતું બંધ થઇ જવાના કારણે મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
13થી લઇ 45 વર્ષની આયુના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા રોકેટગતિથી વધી રહ્યા છે. આ દરમિયાન ભુજમાં 78માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ખાનગી સંસ્થા દ્વારા આયોજીત દેશભક્તિ ગીતોના કાર્યક્રમમાં ગીત ગાતાં એક શિક્ષિકા ઢળી પડ્યા હતા અને અવાક બનેલા લોકોની નજર તેમણે અંતિમ શ્વાસ લઈ લેતાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે સાડા આઠના અરસામાં મુંદરા રોડ રિલોકેશન સાઈટમાં સ્થિત વૃક્ષમિત્ર ગાર્ડન ખાતે આયોજીત કાર્યક્રમમાં બનાવ બન્યો હતો.
ગીત ગાતી વખતે મરણ જનાર 54 વર્ષિય આરતીબેન ગૌતમભાઈ રાઠોડ વાલદાસનગરમાં રહેતાં હતાં. ઢળી પડેલાં શિક્ષિકાને ગભરાયેલા પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ સારવાર અગાઉ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.તબીબી સૂત્રોએ સિવિયર કાર્ડિયાક અરેસ્ટથી વિદ્યાર્થીનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હોવાની બાબતને પુષ્ટિ આપી હતી. મૃતકને હાઇ બ્લડપ્રેશર,ડાયાબીટીશ કે અન્ય કોઈ ક્રોનિક બીમારી ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. અણધાર્યા મૃત્યુના પગલે પરિવાર ઘેરાં આઘાતમાં સરી પડ્યો છે.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
Reporter: admin