હૈદરાબાદ : દેશમાં દરરોજ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે. હૈદરાબાદમાં નકલી મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી એક સોફ્ટવેર એન્જિનિયરને ૩૦ કલાકથી પણ વધુ સમય સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યો હતો.
શુક્રવારની રાતે શરૂ થયેલી આ ઘટનામાં પીડિતને મિયાપુરમાં પોતાના ઘરથી અમીરપેટ સુધી ૧૫ કિમીની યાત્રા કરવી પડી હતી. કેસમાંથી મુક્તિ માટે સાયબર ક્રિમિનલોએ ૪૦ લાખ રૂપિયા માંગ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે પીડિત એન્જિનિયર વીડિયો કોલ પર વાત કરતા ઘરથી લગભગ ૧૫ કિમી દૂર અમીરપેટમાં એક લોજમાં ચાલ્યો ગયો હતો. છેતરપિંડી આચરનારાઓએ તેને ધમકી આપી હતી કે જો તેણે તેમના આદેશનું પાલન ન કર્યુ તો તેના પરિવારને કાયદાકીય મુશ્કેલીમાં નાખી દેવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે.
રવિવાર સવારે ચાર વાગ્યે પીડિતનો કોલ અચાનક બંધ થઇ જતાં તેણે હૈદરાબાદ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કર્યો હતો અને તેમને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલે પીડિતને એક કલાકથી વધુ સમય માટે ફોન પર વ્યસ્ત રાખ્યો હતો જ્યાં સુધી તેના પરિવારના સભ્યો લોજ આવી પહોચ્યા નહીં. ફોન રિસિવ કરનાર કોન્સ્ટેબલ ગણેશ સતત પીડિત સાથે વાત કરતો હતો જેથી તે પોતાને એકલો ન સમજે. ઉલ્લેખનીય છે કે પીડિત પોતાના ઘરમાંથી એમ કહીને નીકળ્યો હતો કે તે એક મિટિંગ માટે જઇ રહ્યો હોવાથી કોઇ તેને ડિસ્ટર્બ ન કરે.
Reporter: admin