સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવાના ગુનામાં 20 વર્ષની કેદની સજા પામેલા અને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફર્લો રજા પર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર ના થઇને ફરાર થયેલા પાકા કામના કેદીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
પેટલાદ ટાઉનમાં નોંધાયેલા ગુનામાં રાજુ ઉર્ફે સાકલો ઉર્ફે પુતરાજ ઉર્ફે સકલ જશભાઇ પરમાર સામે સ્પે.પોક્સો અદાલતે 15 ફેબ્રુઆરી 2020ના રોજ કેસ ચલાવીને આરોપીને 20 વર્ષની કેદની સજા અને 60 હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. કેદીને ગત 22 માર્ચે 14 દિવસની ફર્લો રજા પર મુક્ત કરાયો હતો અને તેને 6 એપ્રીલે જેલમાં હાજર થવાનું હતું પણ તે બારોબાર ફરાર થઇ ગયો હતો.
આ મામલે શહેર પોલીસને જેલ સત્તાધીશોએ જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કેદીને પાળજ ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવીને રીક્ષામાં બેસાડીને લીમ્બાસી ગામે ગયો હતો અને ત્યાંથી બાઇક પર તારાપુર ભાવનગર હાઇવે પર ઝાડીઓમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તથા બોરસદ આસોદર રોડના પીકઅપ સ્ટેન્ડમાં પણ દુષ્કર્મ કર્યું હતું..
Reporter: admin