News Portal...

Breaking News :

2022 પછીના ગેરકાયદેસર બાંધકામોને પણ ઇમ્પેક્ટ સ્કીમ હેઠળ કાયદેસર કરી આચરાયું મોટું કૌંભાડ

2025-03-10 10:09:11
2022 પછીના ગેરકાયદેસર બાંધકામોને પણ ઇમ્પેક્ટ સ્કીમ હેઠળ કાયદેસર કરી આચરાયું મોટું કૌંભાડ


વડોદરા કોર્પોરેશનના કમિશનરે નિવૃત્ત ટીડીઓને સરકારની મંજૂરી મેળવ્યા વગર જ નિયમોનું ઉલ્લંઘન કરીને 2 વર્ષ સુધી નોકરી આપી કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર તો કરેલો જ છે પણ સરકાર દ્વારા 2022ના વર્ષ પહેલા જે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને રાહત આપવા ઇમ્પેક્ટ ફીનો જે કાયદો લવાયો હતો હતો તેનો પણ આ ટોળકીએ ભરપૂર દુરપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આમ તો વર્ષ 2022 પહેલાં જે ગેરકાયદેસર બાંધકામ થયું હોય એની જ ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી આપવાનું સરકારના નિયમોમાં છે પણ પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદી આણી મંડળીએ 2022ના વર્ષ પછી પણ ઇમ્પેક્ટ ફી ભરનારાઓના ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. કમિશનર તથા જીતેશ ત્રિવેદી સહિતની ટોળકીએ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે 2022 ના વર્ષ પછી પણ ઇમ્પેક્ટ ફીના નામે બિલ્ડરો પાસેથી પૈસા પડાવ્યા હતા અને સહિયારો ભ્રષ્ટાચાર આચર્યો હતો. અગાઉ જી-40 કૌંભાડમાં પણ જેનું નામ હતું તે જીતેશ ત્રિવેદી સહિતના શખ્સોએ ઇમ્પેક્ટ ફીના નામે પણ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી દેવા માટે પોતાના માનીતા બિલ્ડરો પાસેથી તગડી રકમ વસુલી હતી. ખરેખર તો 2022 ના વર્ષ પછી જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે તેમની પાસેથી ઇમ્પેક્ટ ફી લેવાની જ ન હતી પણ આ ટોળકીએ 2022ના વર્ષ પછીનાં બાંધકામનાં કેસમાં પણ ઇમ્પેક્ટ ફી લેવાનું ચાલુ રાખ્યું હતું. 2022ના વર્ષ પછી પણ માનીતા બિલ્ડરો જો ઇમ્પેક્ટ ફી અંગે અરજી કરે તો તેનું બાંધકામ પણ કાયદેસર કરી લઇને સરકારની યોજનાનો દુરપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. ઉલ્લેખનિય છે કે સરકારના નિયમો મુજબ જો કોઇ નિવૃત્ત અધિકારીની ફેર નિમણુક કરવી હોય તો કોર્પોરેશને ફરજિયાત રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે છે. સરકારની મંજૂરી વગર કોઇ નિવૃત્ત અધિકારીની ફેર નિમણુક કરી શકાતી નથી છતા રાણાજીએ સરકારને ગાંઠ્યા વગર જ જીતેશ ત્રિવેદીની 2 વર્ષ સુધી કોર્પોરેશનમાં નિયુક્તી કરી દીધી હતી. રાજ્ય સરકારે વારંવાર કમિશનરને આ બાબતની જાણકારી કરી નિમણૂક રદ કરવા બાબતે જણાવ્યું હતું. પરંતુ મનમાની કરીને સાથે કામ કરનાર રાણાજીએ ગાંધીનગરથી થયેલા હુકમને નજર અંદાજ કર્યો હતો. અમારી જાણ મુજબ નિવૃત્તી પછીની,રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગરની કરારીય નિમણુક પછી જીતેશ ત્રિવેદી આણી મંડળીએ, આશરે 200 કરોડનો સહિયારો ખાનગી વેપલો કર્યો હતો.બાંધકામ પરવાનગી શાખાની ટોળકી અને તમામ ડેપ્યુટી ટીડીઓ, ટીડીઓની મદદગારી અને સંડોવણી બહાર આવે તો નવાઇ નહી. તમામ અધિકારીઓ એકબીજાના સતત સંપર્કમાં છે. કોલ રેકોર્ડીંગ પણ ચકાસવી જોઇએ કારણ કે રોજ કરોડોનો વેપલો આ ટોળકી કરતી રહી છે. જાણવા મળ્યા મુજબ કેટલીક ફાઇલો તો ઇરાદાપૂર્વક રેકોર્ડ રુમમાંથી ગાયબ કરી દેવાઇ છે અને હવે તો સ્વતંત્ર તપાસ મુકાશે તો જ ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે તેમ છે. વિશ્વામિત્રી નદી ઉપર આવેલા પ્રોજેક્ટો ઉપર તપાસ થવી જરૂરી છે કારણ કે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે ધ્યાનાકર્ષક છે.










ફ્લેટ માલિકોની એનઓસી વગર જ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરીને કર્યો મોટો ભ્રષ્ટાચાર...
નિવૃત્ત ટીડીઓ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી દ્વારા પશ્ચિમ વિસ્તારમા ટી.પી.૨૫ માં રહેણાંક ૮ ટાવરોમા ઉપરના માળે ગેરકાયદેસર પેન્ટ હાઉસ બનાવવામા આવેલા હતા તે ટાવરોમા રહેતા અન્ય ફ્લેટ માલીકોની એનઓસી લીધા વગર અને હાઈટ વધતા ઈમ્પેક્ટ ફીના નિયમ મુજબ  ફાયર એનઓસી રજૂ કર્યા બાદ ઇમ્પેક્ટ મંજૂર કરવાની હોય છે. પણ તેમના ખાસ માનીતા ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા આ ઇમ્પેક્ટની ફાઇલ મંજૂરી અંગે મુકવામા આવી હતી.તેથી ફ્લેટમાં રહેતા સહ માલિકોની એનઓસી મેળવ્યા વગર અને ફાયર એનઓસી મેળવ્યા વગર ઇમ્પેક્ટના કેસને ગેરકાયદેસર રીતે મંજુર કરી  મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. તેથી તેમના ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાનો જે ઇમ્પેક્ટના કાયદા હેઠળ બાંધકામ પરવાનગી શાખામાં જે કેસ મંજૂરી માટે આવેલો છે.તેની પણ પુરી તપાસ કરવામા આવે તો મહાનગરપાલિકાનું મોટુ કૌંભાડ અને મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.


ઇમ્પેક્ટના કાયદાને અધિકારીઓએ આવકનું સાધન બનાવી દીધું.

સરકારના નિયમ મુજબ 2022ના વર્ષ પહેલાં જે ગેરકાયદેસર બાંધકામ થયું હોય તો તેને ઇમ્પેક્ટ ના કાયદાનો લાભ આપી ફી ભર્યા બાદ ગેરકાયદેસરના બાંધકામને કાયદેસર કરવાનું હતું. જો કે બાંધકામ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ઇમ્પેક્ટના કેસોને આવકનું નવું સાધન બનાવી દીધું હતું. રાજ્ય સરકારે રાહત આપવા માટે આ કાયદો કર્યો હતો પણ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓએ તેને આવકનો નવો સ્ત્રોત ગણીને બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે. આ અધિકારીઓએ ગેરકાયદેસર બાંધકામનું પણ ખોટું અર્થઘટન કરીને કાયદેસર કરી નાંખ્યું હતું. જેથ જેટલા પણ ઇમ્પેક્ટના કેસો છે તે તમામની ફેર ચકાસણી કરવી જરુરી છે. 

શિવરાત્રીના દિવસે જીતેશે ટી-પોસ્ટ ઉપર ડે.ટીડીઓ,ડે.ટીડીઓએ ગુપ્ત બેઠક કરી હતી...
અમારી જાણ મુજબ અકોટા સબ રજીસ્ટ્રાર કચેરીની સામે શિવરાત્રીના દિવસે બાંધકામ ના તમામ કર્મચારીઓ અધિકારીની સાથે જીતેશ ત્રિવેદીએ બેઠક કરી હતી. ડે. ટીડીઓને ટીડીઓ બનાવાયા, એચઓડી બનાવાયા જે કાયદાથી વિરુદ્ધ છે. અમે અગાઉ જણાવ્યું તેમ 6 મહિના થી વધારે તેમને રાખી શકાય નહીં પણ  જીતેશના કહેવાથી પરિમલ પટણીને વડા બનાવાયા હતા. 



સરકારનો રાહત આપવાનો પ્રયાસ હતો...                                     
ઇમ્પેક્ટ ફી લાવીને  રાજ્ય સરકાર  એવું માનતી હતી  કે લોકોને રાહત આપીએ. પણ કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખા એમાં પણ લાભ લે છે. સરકારે 2022 પહેલાના ગેરકાયદેસરના બાંધકામને કાયદેસર કરવાનું કહ્યું હતું પણ બાંધકામ વિભાગના અધિકારીઓએ તેમાં નવી આવક ગણીને 2022 પછી પણ ગેરકાયદેસરના બાંધકામોની અરજી પાસ કરીને કાયદેસર કરવાની મંજૂરીઓ આપવા માડી હતી અને તેમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો જેથી આ 2022 પછીના બાંધકામોની જે પણ અરજીને મંજૂર કરાઇ છે તેની ફેરચકાસણી કરીને તપાસ કરવાની જરુર છે. જો આ તપાસ કરાય તો મોટું કૌંભાડ બહાર આવી શકે તેમ છે.

બહુ ગાજેલા જી - 40 કૌંભાડમાં પણ જીતેશની સંડોવણી હતી...
ભુતકાળમાં શહેરભરમાં ભારે ચર્ચા ઉભી કરનાર કોર્પોરેશનના જી-40 કૌંભાડમાં પણ જીતેશ ત્રિવેદીનું નામ ખુલ્યું હતું પણ વગના જોરે તેમની સામે કોઇ કાર્યવાહી થઇ ન હતી. આ જી -40 કૌભાંડ માં અધિકારીઓ- એન્જીનીયરો ના નામો ખુલ્યા હતા.જેમાં નલેન્દુ પરીખ, મુકુંદ પટેલ, વી એન ટેલર, કિશોર તંબોડી, એચ જે ચારપોર્ટ, ધીરેન તળપદા, સી વી પટેલ, કિરણ આર પટેલ, રવિન્દ્ર પંડ્યા,ગોવિંદ થકરાવ, મજીદખાંન પઠાણ, ડી જી સોરઠીયા, રાજેશ ચૌહાણ, એ જી દેસાઈ, પી સી પટેલ, આર એચ દેસાઈ, મુકેશ અજમેરી, જીતેશ ત્રિવેદી,રાજેન્દ્ર ગાંધી, એ જી અકોલકર, સુનિલ પટેલ,સી બી પટેલ અને પ્રમોદ વસાવાની સંડોવણી જાહેર થઇ હતી. આ કૌભાંડીઓ એ ભ્રષ્ટાચાર કર્યો હતો. પરંતુ ઉચ્ચ અધિકારીઓ-નેતાઓને ભાગ બટાઈથી બચાવી લેવાયા હતા. જે તે સમયે કેટલાક નિર્દોષ તો  કેટલાક ગોઠવણ સાથે અંશતઃ આક્ષેપ સાથે નિર્દોષ છૂટ્યા હતા.

Reporter: admin

Related Post