બેંગલુરુ: પૃથ્વી પરની વિશાળ જીવસૃષ્ટિ સામે જબરું જોખમ ઉભું થઈ રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. આ જોખમ એપોફીસ નામના મહાકાય લઘુગ્રહનું છે. વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ એપોફીસ નામનો વિશાળ લઘુગ્રહ પૃથ્વી ભણી પ્રચંડ ગતિએ આવી રહ્યો છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગે.(ઇસરો)ના વડા ડો. શ્રીધર પેન્નીકર સોમનાથે થોડા સમય પહેલાં એક ઇન્ટર્વ્યુમાં આ જ એપોફીસની પૃથ્વી સાથેની સંભવિત ટક્કર વિશે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.
ડો.એસ.સોમનાથે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આટલો મહાકાય અને અતિ અતિ ભારેભરખમ લઘુગ્રહ ૨૦૬૮માં કદાચ પણ પૃથ્વી સાથે ટકરાશે તો મહાવિનાશ થઇ શકે છે. માનવજાત સહિત વિશાળ જીવ સૃષ્ટિ પર જબરું જોખમ ઝળુંબી રહ્યું છે.
બીજીબાજુ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા)ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ વિભાગના વડા ડેવિડ ફર્નાચિયાએ એવી હૈયાધારણ આપી છે કે એપોફીસને કારણે ૨૦૬૮માં પૃથ્વી માટે કોઇ જોખમ સર્જાય તેવી શક્યતા નથી.
આ મહાકાય લઘુગ્રહ હજી ૨૦૨૧ની ૫,માર્ચે જ પૃથ્વી નજીકથી પસાર થયો છે. તે સમયે તેનુ આધુનિક રાડાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથોસાથ તેની સૂર્ય ફરતેની ભ્રમણકક્ષાની સચોટ વિગતો મેળવવામાં આવી છે. આ તમામ સુક્ષ્મ ગણતરીના આધારે આ લઘુગ્રહને કારણે પૃથ્વીને આવતાં ૧૦૦ વર્ષ સુધી જરાય જોખમ નહીં સર્જાય.
વિશ્વના નિષ્ણાત ખગોળ વિજ્ઞાાનીઓની ગણતરી મુજબ એપોફીસ લગભગ ૨૦૬૮માં પૃથ્વી સાથે ટકરાય તેવી શક્યતા છે. ફૂટબોલનાં ત્રણ મેદાન, ભારતીય નૌકાદળનું શીપ વિક્રમાદિત્ય અને વિશ્વનાસૌથી વિશાળ મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ મેદાન જેટલા વિશાળ કદના એપોફીસ લઘુગ્રહ પૃથ્વી સાથે અતિ અતિ પ્રચંડ ગતિએ ટકરાશે તો પૃથ્વી પરની માનવજાત સહિત અન્ય સુંદર જીવ સૃષ્ટિનો મહાવિનાશ થવાની સંભાવના હોવાનો ખગોળશાસ્ત્રીઓએ રેડ સિગ્નલ આપ્યો છે.
Reporter: admin