વડોદરાના સાંસદ અને જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી સિક્કીમમાં ફસાયેલો વડોદરાનો પરિવાર પાછો મળ્યો સિક્કીમના કલેક્ટરે વડોદરાના પરિવારને તેમના સ્વજનો સાથે વાત કરાવી, પંદર સેકન્ડની વાત પછી વડોદરાના પરિવારે હાશકારો અનુભવ્યો
સિક્કીમ ફરવા ગયેલો વડોદરાનો પરિવાર ભૂસ્ખલનના લીધે ભેદી સંજોગોમાં ગૂમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. સિક્કીમ પહોંચ્યા પછી છેલ્લા ચાર દિવસોથી પરિવારના 9 સદસ્યોનો રહસ્યમય સંજોગોમાં કોઈ કોન્ટેક્ટ થતો ન હતો.આખરે,ચિંતાતુર બનેલા વડોદરાના સ્વજનોએ પરિવારને શોધવા માટે જિલ્લા કલેક્ટર અને સાંસદનો સંપર્ક કર્યો હતો. આખરે, સાંસદ અને જિલ્લા કલેક્ટરના પ્રયત્નોથી સિક્કીમમાં ગૂમ થયેલો વડોદરાનો પરિવાર હેમખેમ પાછો મળ્યો હતો.હાલમાં પરિવારના નવ સદસ્યો સિક્કીમની એક હોટલમાં છે અને બધા ક્ષેમકુશળ છે. વડોદરાના રામચંદ્રભાઈ કાલીદાસ રાણા કહે છે કે, મારા પરિવારના 9 સદસ્યો સાતમી જૂને સિક્કીમ ફરવા નીકળ્યા હતા. એમના સિક્કીમ પહોંચ્યા પછી બે દિવસમાં જ ત્યાં લેન્ડ સ્લાઈડની ઘટના બની હતી. જેના સમાચારો અમે ટીવી પર જોયા હતા.
આ દુર્ઘટના બાદ મારા પરિવારના નવ સદસ્યો સાથેનો અમારો સંપર્ક કપાઈ ગયો હતો. છેલ્લા ચાર દિવસથી અમને એમનો કોન્ટેક્ટ થતો ન હતો. આખરે, કંટાળીને મેં વડોદરા જિલ્લા કલેક્ટરની મુલાકાત માંગી હતી. આજે હું એમને મળ્યો હતો અને એમને મારી રજૂઆત કરી હતી. ઉપરાંત, મેં નવા સાંસદ ડો. હેમાંગ જોશીનો પણ કોન્ટેક્ટ કર્યો હતો. બંનેએ સિક્કીમના સત્તાધીશો અને અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અને સિક્કીમના કલેક્ટરે વડોદરાના ગૂમ થયેલા પરિવારને શોધી કાઢ્યો હતો. આજે ચાર દિવસ પછી અમારી સિક્કીમમાં ફસાયેલા અમારા પરિવારના સદસ્યો જોડે વાત થઈ હતી. માત્ર 15 સેકન્ડ સુધી જ અમે એમની સાથે વાતચીત કરી શક્યા હતા. પણ બધા ક્ષેમકુશળ છે તેવી વાત માલુમ પડતા જ અમારી ચિંતા દૂર થઈ હતી. આ સમગ્ર મામલામાં અમે જિલ્લા કલેક્ટર અને નવા ચુંટાયેલા સાંસદનો આભાર માનીએ છીએ.
Reporter: News Plus