વડોદરા : શહેરના વાસણા રોડ પર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડિ-માર્ટ જંક્શન પર ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓવર બ્રિજની કામગીરી પુરજોશમાં શરૂ થાય તે પહેલા પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનીષા ચોકડીથી ડિ માર્ટ તરફ જતો તક્ષ કોમ્પલેક્ષ પાસેનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ડ્રેનેજ લાઇનના મોટા મોટા પાઇપો જમીનમાં ઉતારવા માટે ક્રેનની મદદ લેવાઇ રહી છે. આ વચ્ચે સવારના સમયે તક્ષ કોમ્પલેક્ષ પાસે આવેલી દુકાનો ચાલુ રહેતી હોય છે. અને તેમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે. દરમિયાન ગતરાત્રે તક્ષ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ઓવર લોડ થતા ક્રેન પલટી ગઇ હતી.

મસમોટી ક્રેઇન પલટી તે સમયે આસપાસની દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટના સમયે ક્રેઇનમાં ઓપરેટર હાજર હતો. પલટી જતા તેનો આબાદ બચાવ થયો છે. આ સાથે જ પલટી મારી ગયેલી ક્રેનને ઉભી કરવા માટે બીજી બાજુ તરફનો રસ્તો બંધ કરીને અન્ય બે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. આખરે મોડી રાત્રે પલટી ગયેલી ક્રેનને સીધી કરવામાં સફળતા મળી હતી. સ્થાનિકોની માંગ છે કે, આ કામગીરી લાંબો સમય ચાલે તેમ છે, ત્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવા વિશેષ પ્રયાસો પાલિકા દ્વારા કરવા જોઇએ.


Reporter: admin