પુષ્ટિમાર્ગની પ્રધાનપીઠ પ્રભુ શ્રીનાથજીના નીજ મંદિરથી પીઠાધીશ્વર ગો.તિ.૧૦૮ રાકેશજી (ઇન્દ્રદમનજી) મહારાજ અને ગો.ચી.૧૦૫ વિશાલજી (ભૂપેશ કુમારજી)ની પ્રેરણાથી નાથદ્વારાના ૩૫૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નંદાલયના પ્રભુ શ્રીનાથજીનો પ્રસાદ નંદલલાથી રામલલાના દ્વારા સુધી યાત્રાના સ્વરૂપે પહોંચ્યો હતો. પુષ્ટિમાર્ગમાં શ્રીવલ્લભાચાર્યજીએ ભગવાન વિષ્ણુના અનેક અવતારોમાંથી ચાર અવતારોને પૂર્ણ પુષ્ટિના અવતાર ગણાવી તેમનો પ્રાક્ટ્યોત્સવ ઉજવવાની રીત બતાવી છે.
એ મુજબ પૂર્ણ પુષ્ટિપુરૂષોત્તમ શ્રીકૃષ્ણ, મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ, શ્રીનરસિંહજી તથા શ્રીવામનજીનો મહોત્સવ ઉજવવામાં આવે છે. આથી શ્રીરામ નવમીના શુભ અવસર પર " હમારે મદન ગોપાલ હી શ્રી રામ હૈ" ! ના ભાવ સાથે ગો.ચ.૧૦૫ વિશાલજી (ભૂપેશ કુમારજી) બાવાએ ૧૪ એપ્રિલને રવિવારના રોજ શ્રીનાથજીના મોતી મહેલ ચોકના પ્રાંગણથી સેંકડો વૈષ્ણવો સાથે મહાપ્રસાદને રથમાં પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે રથનું પૂજન કરીને મહાપ્રસાદના રથને વિદાય આપવામાં આવી હતી. યાત્રા દ્વારા પહોંચેલા એક લાખ એક મઠડીના પ્રસાદનું રામનવમીના પાવન પર્વે રામ મંદિરમાં વિતરણ કરાયું હતું.
જે વિશે માહિતી આપતા પૂજ્ય વિશાલ બાવાએ જણાવ્યું હતું કે, આવો દુર્લભ સંયોગ સદીઓમાં એક જ વાર આવે છે અને જે કોઈ વૈષ્ણવ આ ક્ષણમાં સહભાગી બને છે તે ખૂબ જ ભાગ્યશાળી છે. ૩૫૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ એક અભ્દુત સંયોગ હશે જ્યારે નંદાલયથી ભગવાન શ્રીનાથજીનો મહાપ્રસાદ નંદલાલાથી રામલલાના દ્વાર સુધી જશે અને શ્રીજી પ્રભુના આશીર્વાદ લંબાશે. પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ અને શ્રી રામ એક જ સ્વરૂપ માનવામાં આવે છે જેમાં સહેજ પણ શંકા નથી. નોંધનીય છે કે, આ પ્રસંગે શ્રીનાથજી મંદિરના અધિકારી સુધાકર ઉપાધ્યાય, મંદિરના મુખ્ય વહીવટદાર ભરત ભૂષણ વ્યાસ, તિલકાયતના મુખ્ય સલાહકાર અંજન શાહ, મંદિરના મદદનીશ અધિકારી અનિલ સનાધ્યા, મંદિર મંડળના સભ્યો સમીર ચૌધરી, સુરેશ સંઘવી, એસ્ટેટ ઓફિસર ઋષિ પાંડે, તિલકાયતના સેક્રેટરી લીલાધર પુરોહિત, મંદિરના પંડયાજી પરેશ નાગર, સમાધિ ઉમંગ મહેતા, પીઆર અને મીડિયા ઈન્ચાર્જ ગિરીશ વ્યાસ, જમાદાર હર્ષ સાંધ્યા, કૈલાશ પાલીવાલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
Reporter: Amit Shah