News Portal...

Breaking News :

શહેરમાં ઉનાળાના કારણે તરબૂચ, સક્કરટેટી સહિત ના ફળો નું ઘુમ વેચાણ

2024-04-16 12:11:39
શહેરમાં ઉનાળાના કારણે તરબૂચ, સક્કરટેટી સહિત ના ફળો નું ઘુમ વેચાણ

 વડોદરામાં ઉનાળાની ઋુતુએ રંગ દેખાડવાનું શરૂ કરી દીધેલ છે ત્યારે સ્થાનિક ફ્રુટ બજારોમાં કાળઝાળ ઉનાળાના અમૃત ફળ સમાન ગણાતા સાકર જેવા મીઠા મધુરા દેશી અને વિલાયતી તડબૂચ, સાકરટેટી, માધૂરી તેમજ ખાટી અને ગળી દ્રાક્ષના વેચાણમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. હાલ એપ્રિલ માસના ૧૫ દિવસ વિતવા છતાં આજની તારીખે પણ કેસર કેરી મોંઘા ભાવે મળી રહેલ હોય કેરી કરતા પ્રમાણમાં સસ્તા બનેલા ઉપરોકત ત્રણેય ફળની સ્વાદના રસિકો વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.




હાલ વડોદરામાં એકબાજુ સવારથી જ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે. આકરા ચૈત્રી દનૈયાના દિવસોમાં તાપમાનનો પારો છાસવારે ઉંચે ચડી જાય છે.ત્યારે રાહત મેળવવા માટે સૌ કોઈ ઉનાળાના અમૃતફળ સમાન તડબૂચ, દ્રાક્ષ અને સાકરટેટીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વચ્ચે સ્થાનિક કેરીની જથ્થાબંધ અને રીટેઈલ માર્કેટમાં કેરીના ભાવ સાંભળતા ગ્રાહકો કેરીની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. તેની અવેજીમાં આ ફળની ખરીદી કરી રહ્યા છે. શહેરની મુખ્ય શાકમાર્કેટની પાછળ આવેલ ફ્રુટ માર્કેટના વિક્રેતાઓના જણાવ્યા મુજબ ઓણસાલ કેરીની આવક અડધો એપ્રિલ માસ વિતવા આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તેવી થતી ન હોય કેરીના ભાવ હજુ પણ ૧૫ દિવસ નીચા ઉતરે તેવા નથી. કેરીના ભાવ આસમાનને આંબેલા રહેતા હોય સ્થાનિક  વિસ્તારોમાં હજુ કેટલાક વિક્રેતાઓએ કેરીનું વેચાણ કરવાનું ટાળીને અન્ય ફળના વેચાણ તરફ વળી રહ્યા છે. ઉનાળાના અમૃત ફળ કેસર કેરીના વિકલ્પમાં સ્વાદના રસિકો પ્રમાણમાં સસ્તા તડબૂચ, દ્રાક્ષ અને સાકરટેટીની મહત્તમ ખરીદી કરી રહ્યા છે. શહેરના ખડેરાવ  સહિતના વિસ્તારોમાં તડબૂચના ખડકલાઓ કરીને તેમજ લારી ગલ્લાઓમાં, મીની ટેમ્પાઓ ભરીને તડબૂચ, માધુરી અને સાકરટેટી ઢગલા મોઢે પાંચથી દશ કિલોના થેલા લેખે વેચાઈ રહ્યા છે. તડબૂચમાં ભરપુર માત્રામાં પાણી હોય છે અને તેેના સેવનથી અંગ દઝાડતી ગરમીમાં રાહત મેળવવા માટે  મહત્તમ લોકો ઉનાળાના આ અમૃતફળનો સહારો લેતા થયા છે. 

હાલ બજારમાં કાળા અને સફેદ પટ્ટાવાળા તડબૂચ જોવા મળી રહ્યા છે.સફેદ પટ્ટાવાળા તડબૂચ બેંગ્લોરથી મંગાવાય છે અને હાલ તે રૂા ૧૦૦ આસપાસના ભાવે પાંચ કિલો લેખે વેચાઈ રહ્યા છે. જયારે કાળા તડબૂચ ગોધરા, નવસારી, ધરમપુર, દ્વારકા તેમજ ખેડા સહિતના સ્થળોએથી ટ્રક ભરીને મંગાવાય છે. એક ટ્રકમાં અંદાજે ૧૦ થી ૧૨ ટન તડબૂચ સમાઈ જાય છે.  સીઝનમાં અંદાજે ૧૦ થી વધુ ટ્રકો ભરીને કાળા અને સફેદ પટ્ટાવાળા તડબૂચ આસાનીથી વેચાઈ જાય છે. શહેરમાં ત્રણથી વધુ ટ્રક ભરીને લીલા તડબૂચ નાગપુર, રાયપુર અને મૈસુરથી પણ આવતા હોય છે.

Reporter:

Related Post