News Portal...

Breaking News :

શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવે ભક્તિમય માહોલ, અન્નકૂટ દર્શને ઉમટ્યા વૈષ્ણવો

2026-06-20 13:24:14
શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવે ભક્તિમય માહોલ, અન્નકૂટ દર્શને ઉમટ્યા વૈષ્ણવો

વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત શ્રી કૃષ્ણ મંદિર ખાતે શ્રી મુરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવ નિમિત્તે આજે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો અને અન્નકૂટ દર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને શહેરભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા કૃષ્ણભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.
મંદિરના મહંતશ્રીઓના જણાવ્યા અનુસાર, જ્યાં આજે શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે તે સ્થળ અગાઉ ગંગાભારતી મહારાજની મઢી તરીકે ઓળખાતું હતું. બાદમાં અહીં શ્રી મુરલી મનોહર કૃષ્ણ ભગવાન, હનુમાનજી મહારાજ અને ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પવિત્ર સ્થાપનાને આજે 48 વર્ષ પૂર્ણ થતાં વિશેષ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટોત્સવની શરૂઆત વહેલી સવારે 4:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી. ત્યારબાદ 5:30 કલાકે પંચામૃત અભિષેક અને સવારે 6:00થી 8:00 કલાક દરમિયાન કેસર સ્નાન તથા 108 કુંભથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાનના અભિષેક દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત સવારે 11:00 કલાકે અખંડ ધૂનની પૂર્ણાહુતિ અને બપોરે 12:00 કલાકે પાટોત્સવ મહા આરતીનું આયોજન થયું હતું. સાંજે 6:00થી 9:00 કલાક દરમિયાન અન્નકૂટ દર્શન યોજાયું હતું, જેમાં ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના પ્રસાદ અને ભોજનનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિશેષ કૃષ્ણ શણગાર અને અન્નકૂટ દર્શને ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાત્રે 9:00 કલાકે મનોરથ આરતી સાથે સમગ્ર પાટોત્સવ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

Reporter:

Related Post