પ્રયાગરાજ : આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી 20 કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તાઓ, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે.
શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડિંગ તોડી પ્રવેશી રહ્યા છે. મહાકુંભમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ ઊભા કર્યા હતા. જો કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી 20 કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે.અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતા ન સર્જાય તે હેતુ સાથે કમિશ્નરે તમામ વિભાગોના અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
ડીએમ, સીઆરપીએફ, આઇટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે.મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતાં અલ્હાબાદ હાઇકોર્ટે 28થી 30 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતીના નોટિફિકેશન અનુસાર, આ રજા માત્ર પ્રયાગરાજ સ્થિત હાઇકોર્ટ માટે જ છે. તેના સ્થાને તે 17 મે, અને 23 ઑગસ્ટના રોજ ચાલુ રહેશે.
Reporter: admin