વડોદરા : વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રસાર થાય તે ઉદ્દેશ સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પરમ પૂજ્ય પ્રિતમ મુનીજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના છેવાડે આવેલ રણોલી ગામમાં આવેલ જલારામ મંદિર ખાતે કરવામા આવ્યું હતું.

જલારામ મંદિર ખાતે આયોજીત આ પંચકુડિય યજ્ઞમાં 108 જેટલા દંપતિ અને તેઓના સ્વજનોએ યજ્ઞિય કર્મ કરીને સમિધ દ્વારા આહુતિ આપી યજ્ઞીય કર્મ કર્યું હતું. આગામી સમયમાં સમગ્ર વિશ્વ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાયાવરોહણ સ્થિત લકુલેશ ધામના પ્રીતમ મુનીજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાતથી શરૂ થઇને દેશના ગુવાહાટી થી આસામ સુધી અને જમ્મુ થી કોઇમ્બતુર થી ચેન્નાઇ સુધી આ 108 પંચ કુંડીય મહાયજ્ઞ યોજવાનું આયોજન કરવામાં આવશે.જેના અનુસંધાનમાં અગાઉ ડભોઇ પાસે આવેલ રતનપુર ખાતે 51 પંચ કુડિય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં આ જ પ્રકારે વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે પંચ કુંડિય યજ્ઞનું આયોજન કરવામાં આવશે. રણોલી ખાતે યોજાયેલ યજ્ઞ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા સહિત ભાવિક બલ્ક કેરિયરના અગ્રણી રસિકલાલ કોટક, રણોલીના આગેવાન ધાર્મિક ભાઈ પટેલ, કરચિયા ગામના આગેવાન નિલેશ ભાઈ પટેલ , જલારામ મિત્ર મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા. પંચ કુંડીય યજ્ઞ કાર્યના અગ્રણી અને માર્ગદર્શક પૂજ્ય પ્રીતમ મુનિ મહારાજ આ પ્રસંગે આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી થી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે 108 પંચ કુંડીય મહાયજ્ઞ ની શરૂઆત થઇ છે.

આજે યોજાયેલ આ યજ્ઞમાં બેસનાર તમામને આશિષ પાઠવતાં જણાવ્યું હતું કે, યજ્ઞ એ યજ્ઞમાં બેસનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે જ પણ સાથે સાથે પર્યાવરણ ની શુધ્ધિ માટે પણ ખૂબ મહત્વનું છે. આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતાં રહે તેવી પ્રાર્થના છે.કાયાવરોહણના પવિત્ર લકુલેશ ધામથી આ શરુઆત થઈ છે તે માટે ધન્યતા અનુભવું છુ. યજ્ઞ કર્મ કરવાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે. યજ્ઞ કરનાર વ્યક્તિને લાભ કારક ઊર્જા મળે છે. સ્વાસ્થ્ય લાભ, ધનલાભ સહિત અનેક ઇચ્છાપૂર્તિ માટે યજ્ઞ એ લાભકારી કર્મ છે. રામ અને કૃષ્ણ સહિત અનેક મહાન સંતો યજ્ઞ કરતાં હતા.સમય વીત્યા બાદ આજે યજ્ઞ પરંપરા વિસરાઈ રહી છે તેને પુંનઃ સ્થાપિત કરવાનું કાર્ય લકુલીશ ધામ હવે કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલું લકુલેશ ધામ ખૂબ વિશાળ છે અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ,સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના ધર્મકાર્ય કરવામાં આવે છે સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે.








Reporter: admin