અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 'બારે મેઘ ખાંગા' થતાં મોટા ભાગનું ગુજરાત જળસમાધિ બની ગયું છે.
મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ગયા છે અને અનેક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે.હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 6 કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહેલી હવામાન સિસ્ટમ આજે સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર હતી.
આ સ્થિતિ ગુજરાતના ભુજથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, ગુજરાતના નલિયાથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને પાકિસ્તાનના કરાચીથી લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે.આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તે ધીમે-ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રને પાર કરે તેવું અનુમાન છે. આવતીકાલે એટલે કે 29મી ઑગસ્ટની સવાર સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે, પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવું અનુમાન છે. આ દર્શાવે છે કે, ગુજરાતને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અસર આજે બુધવારે સાંજ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જશે.
Reporter: admin