વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પોતાના મોજ-શોખના ખર્ચ પૂરા કરવા માટે મોટા પપ્પાના ઘરે ચોરી કરનાર શ્રેયા તાલુદાર અને તેના પ્રેમી દીપક વસાવાને ગોરવા પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, શ્રેયા ફરિયાદીના ઘરે દીકરીની જેમ રહેતી હતી. ગત 16 જૂનથી 26 ઓગસ્ટ દરમિયાન ઘરના કબાટની તિજોરીમાંથી અંદાજે 101 ગ્રામ સોનાના દાગીના તથા 20 ગ્રામ ચાંદીની પાયલ મળી કુલ રૂ.5.15 લાખનો મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ગોરવા પોલીસે ટેકનોલોજી અને અન્ય માહિતીના આધારે શ્રેયા તાલુદાર અને તેના પ્રેમી દીપક વસાવા સુધી પહોંચી બંનેની ધરપકડ કરી હતી. પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતાં ચોરી કરેલા સોનાના કેટલાક દાગીના IIFL બેંકમાં ગીરવે મૂક્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ગીરવે મૂકેલા દાગીના તેમજ આરોપીઓ પાસે રહેલા અન્ય સોના-ચાંદીના દાગીના મળી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ગોરવા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
Reporter: admin







