આ ટ્રસ્ટ ગૌસેવા શિક્ષણ સેવા સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે...
આજની યુવા પેઢી અનેક મનોમંથનો માં થી પસાર થાય છે અને જીવનમાં મૂંઝવણ અનુભવે છે. જેના પગલે તેમના જીવનમાં અણધારી કટોકટી સર્જાય છે.
ગુજરાતના એક ગામનો યુવાન આવા જ કોઈ મનોમંથન ના પ્રભાવ હેઠળ અગમ્ય કારણોસર ઘર છોડી ગયો હતો. એણે પોતાના ગૃહ ત્યાગની સોશિયલ મીડિયાના માધ્યમ થી જાણ કરી ત્યારે પરિવારજનો,તેના મિત્રો અને ઓળખીતા સૌ ચિંતામાં મુકાઈ ગયા હતા.સોશિયલ મીડિયા હવે આ પ્રકારના નિર્ણયોની જાહેરાત કરવાનું માધ્યમ બની ગયું એ વિચિત્રતા પણ નોંધવી પડે.
આ ઘટનાની જાણ થતાં મહિલા ઉદ્યોગ સાહસિક અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી વડોદરા,ગાંધીનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જીવદયાની,શિક્ષણ સહાયતા અને જીવન ઘડતરની સામાજિક પ્રવૃત્તિઓ કરતા જીયા શૈલેષ તુરત જ સંકટમાં મુકાયેલા ચિંતાતુર પરિવારની વ્હારે આવ્યા હતા.
જીયા જે.એન.વી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે અને આ સંસ્થાના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલા પૂર્વ વિદ્યાર્થીઓ ના સંગઠન સાથે પણ જોડાયેલા છે.ગુમ થયેલો યુવક પણ તે પૈકીનો એક છે.
આ યુવક કોઈ ખોટું પગલું ના ભરે અને સહીસલામત રીતે ઘેર પાછો ફરે તે માટે જીયા એ પોતાના તમામ સંપર્કને સક્રિય કરીને,ભારે પરિશ્રમ થી એની ભાળ મેળવી હતી. એ દિલ્હીમાં હોવાથી રાજધાનીના પોલીસ તંત્રની મદદ લીધી હતી.
તેની સાથે સંપર્ક સ્થાપિત કરી તેમણે તેને સાચી સમજણ આપી હતી અને તેની મૂંઝવણો ના નિવારણમાં મદદરૂપ બનવાની વ્યક્તિગત અને પરિવાર વતી ખાત્રી આપી હતી.
આમ, તેમણે આ યુવાનને કોઈ અનિચ્છનીય પગલું ભરતા રોક્યો હતો અને દિલ્હી પોલીસના આશ્રય હેઠળ મૂક્યો હતો.
તે પછી હવાઈ માર્ગે તેને પરત હેમખેમ પાછો લાવીને પરિવાર ભેગો કર્યો હતો.આ કાર્યમાં એ યુવકના મિત્રો, જીયાના મિત્રો અને શુભેચ્છકો તેમજ પોલીસ તંત્રે ખૂબ માનવતા અને સંવેદના ભર્યો સહયોગ આપતાં,તેમનો હૃદયની ઉષ્મા થી આભાર માન્યો છે.
રાજી થયેલા યુવકના પરિવારજનો એ જીયા શૈલેષ અને મદદ કરનારા સૌને સાભાર ધન્યવાદ આપ્યા છે.
આવી ઘટનાઓ હવે છાશવારે બની રહી છે.માત્ર યુવાનો કે બાળકો નહિ,તમામ ઉંમરના લોકો આવી ઘટનાઓ સાથે સંકળાયેલા હોય છે.આ ચિંતાની વાત છે.
યુવા પેઢી નાની મોટી બાબતો ગભરાઈ ને ઘર છોડી જવા અથવા કોઈ અજુગતું પગલું ભરવાને બદલે હિંમત થી કામ લે,મિત્રો અને પરિવારજનો સાથે મુશ્કેલી અને મૂંઝવણની ચર્ચા કરે,પરિવાર આવા યુવાનીની મનોવ્યથા અને લાગણી સમજી પીઠબળ અને માર્ગદર્શન આપે તો આવી ઘટનાઓ ટાળી શકાય એવું આ મહિલા ઉધોગ સાહસિક નું કહેવું છે
સોશિયલ મીડિયા આમ તો સાચું જ્ઞાન સંપાદન કરવાનું અને સારી વાતોના વ્યાપક પ્રચારનું માધ્યમ ગણાય .જો કે હાલમાં તેનો ખૂબ વ્યાપક ઉપયોગ હેતુસરની વાતોને આંધીની જેમ ફેલાવવા માટે થઈ રહ્યો છે.કોઈને દોષ દેવા જેવો નથી.લગભગ બધા જ આ ખોટું કામ કરી રહ્યા છે.એટલે નીર ક્ષીર વિવેક થી યોગ્ય પરખ કરીને તેનો વિનિયોગ કરવો હિતાવહ છે.
યુવાનોએ મૂંઝાઈ ને કોઈ પણ અજુગતું પગલું ભરતાં પહેલાં તેના પ્રભાવો ની નિખાલસ ચર્ચા,સંવાદ કરવો જોઈએ.હવે આ આશય ને ધ્યાનમાં લઈને પરીક્ષાઓ સમયે સંસ્થાઓ અને સરકાર વિવિધ હેલ્પ લાઇન કાર્યરત કરે છે.પોલીસ તંત્રની પણ હેલ્પ લાઈન્સ છે.આ પ્રકારની સંસ્થાઓ ની મદદ લઈ સાચો વિકલ્પ પસંદ કરવામાં ઉચિતતા ગણાય...
Reporter: News Plus