'
ક્યારેક યુવા હૈયા પ્રેમનો ઇજહાર કરવા ભાવ ભર્યા પત્રો લખતા અને ચોરી છુપી એ પહોંચાડી ને ગમતાંનો ગુલાલ કરતા હવે તો મોબાઈલ એ જાત જાતના વિકલ્પો આપ્યા છે એટલે પત્ર લખવાની પ્રેક્ટિસ લગભગ કોઈને રહી નથી.જેઓ ક્રેઝી હતા તેઓ હવે પત્ર લખતા નથી.ત્યારે રાજકારણીઓ માં હવે પત્ર પાઠવવાનો ક્રેઝ જાગ્યો છે.કેટલાક પત્રો બોમ્બનું કામ કરે છે તો કેટલાકનું સુરસુરિયું થઇ જાય છે.
રાજકોટના એક ધારાસભ્યે પત્ર પાઠવ્યો અને એક લાંચ કાંડની તપાસ ચાલુ થઈ ગઈ.પરિણામે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થઈ ગઈ.પછી આગળ શું થયું કોઈને ખબર નથી.હમણાં શહેરમાં એક પત્ર ચર્ચાસ્પદ બન્યો છે.તળાવની સુંદરતા વધારવાનું કામ તેમાં વિવાદનું કારણ બન્યું છે.પોતે કામ કરાવ્યું હોવાના પુરાવા રૂપે એક પત્ર રજૂ થયો એવું જાણવા મળ્યું છે.ત્યારે સવાલ એ થાય છે કે એક આનાથી પણ ઘણું મોટું કામ હતું.એની ભલામણ કરતો પત્ર મેં પાઠવ્યો હતો એવો દાવો કરવા કેમ કોઈ આગળ આવ્યું નથી?દાખલા તરીકે લેક ઝોનનો ઈજારો.અધિકારીઓ એ મનસ્વી રીતે તો આ કામ કર્યું ના જ હોય.કોઈકે ફોન કર્યો હોય,કોઈકે નાનકડી ભલામણ ચિઠ્ઠી લખી હોય,એવું કશુંક તો થયું જ હશે ને.છતાં અહીં કેમ કોઈ જશ લેવા આગળ આવતું નથી.કેટલીક બાબતો ખરેખર સમજણની બહાર હોય છે.માથું ખંજવાળીયે તો વાળ ખરી જાય પણ તાળો ના મળે.કહે છે કે શહેરની એક આશાસ્પદ યુવતી ઘેરી બેહોશીની હાલત માં રીબાય રહી છે.એના માબાપ સારવાર ખર્ચ ખૂટી પડે એવી હાલતમાં મુકાઇ ગયા છે.કોઈ આઝાદ મિજાજ વંઠેલ આ યુવતીને વાહનના ઠેબે ચઢાવી જતો રહ્યો.ગંભીર ઈજાગ્રસ્ત આ યુવતીને અકસ્માત કરનારની શોધ કરવામાં અકળ કારણોસર રસ લેવામાં ન આવ્યો.આ દુઃખી પરિવારની મદદ માટે કોઈએ રાજ્ય સરકાર કે તંત્રને ભલામણ પત્ર પાઠવ્યો હોય ,પોલીસ ને આ ઘટનાની તપાસ કરવા પત્ર લખ્યો હોય એવું જાણ્યું નથી.કોઈ એની ખબર કાઢવા પણ ગયું હોય એવું લગભગ તો જાણમાં નથી.આ કિસ્સામાં કેમ બધા પત્ર વિરો,લોકસેવકો સાવ નિષ્ક્રિય છે.માથું ખંજવાળીએ તો પણ જવાબ જડતો નથી. હમણાં એવું પણ જાણ્યું કે કોઈ ગટરમાં ઢાંકણું પડી ગયું.જાગૃત નાગરિકે ધ્યાન દોર્યું. કોઇએ નોંધ ના લીધી. આખરે બધું ચોકપ થયું ત્યારે બધા ઘાંઘા થયાં અને મનપા ની તિજોરીને એક ઢાંકણું દોઢ કરોડનું પડ્યું.આ ઘટનામાં કેમ કોઈ પત્ર લખીને જવાબ માંગતું નથી? જવાબ જડે એમ નથી.
સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ ના વિવાદમાં મોતની ઘટના બની.હવે મનપા જાગૃત થઈ છે અને કડક ચકાસણી ચાલુ કરી છે.દુકાનો સીલ કરવામાં આવી રહી છે.ફાયર સેફ્ટી ની ચકાસણી થઈ રહી છે.આ મામલામાં વર્ષો સુધી તંત્ર ઊંઘતું રહ્યું,હવે આળસ મરડીને બેઠું થયું છે.સવાલ એ થાય છે કે વર્ષો થી આ વિસ્તારમાં નગર સેવકો ચૂંટાય છે.ધારાસભ્યો અને સાંસદ ચૂંટાય છે.કોઈની નજરે આ નિવાસી વિસ્તારમાં બિન અધિકૃત બાંધકામની ખબર જ ન પડી! આ વિસ્તારમાં રહેનારા વર્ષો થી આ ત્રાસની ફરિયાદ કરતા રહ્યા.કોઈને એમની મુશ્કેલી નિવારવા માટે તંત્રને પત્ર લખવાની ફુરસદ ન મળી.સ્ટેશનરી કે લેટર પેડ ખૂટી ગયા હશે? બોલ પેન બજારમાં મળતી નહિ હોય? ભગવાન જાણે.લાગે છે કે અસરકારક પત્ર લખવાની કળા અંગે એકાદ ટ્યુશન ક્લાસ શહેરમાં ખુલવો જોઈએ.પત્ર લેખનના કલાકારો તો ઘણાં છે. ક્યારે નામજોગ પત્ર લખવો ,ક્યારે નનામી ચિઠ્ઠી પાઠવવી એની આંટી ઘૂંટી ના તજજ્ઞો ની ખોટ નથી.તેઓ લોકહિત માં આ પુણ્યનું કામ કરી શકે છે.પત્ર પ્રેમ જગવી શકે અને પત્ર ધૃણા નું કારણ બની શકે.કેવી રીતે લખ્યો,કોણે લખ્યો,કેમ લખ્યો,કયા સમયે લખ્યો એના આધારે પત્રની કિંમત અંકાય છે.પત્ર કોઈને પદ પરથી હટાવી શકે છે અને કોઈને પદ પર બિરાજમાન કરી શકે છે.પત્ર રાજકારણનું એક મહત્વનું હથિયાર છે.આ હથિયારની તાકાત અને ધાર બુઠ્ઠી ન થઈ જાય એ જોવાની બધાની ફરજ છે.પત્ર પત્રકારો માટે મસાલો બની જાય છે.એક વજનદાર પત્ર એકાદ અઠવાડિયા સુધી સમાચારો ની ખોટ પડવા દેતો નથી.આશા રાખીએ એવા સશક્ત પત્રો લખવાની આવડત વધે અને વ્યાપક બને....
Reporter: News Plus