News Portal...

Breaking News :

વૃદ્ધાની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવનાર ઠગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

2026-07-28 10:28:30
 વૃદ્ધાની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવનાર ઠગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

વડોદરા શહેરમાં સિનીયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી ઠગાઈ કરનારી ગેંગના એક સભ્યને શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ સાદકહસન અલીમુદ્દીન દીનમહંમદ શા (ફકીર) તરીકે થઈ છે, જ્યારે તેનો સાગરીત ઇલ્યાસમહમંદ નઝરુદ્દીન હકીમી હજુ ફરાર છે.


ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સિનીયર સિટીઝન મહિલાઓને વિશ્વાસમાં લઈ તેઓના સોના-ચાંદીના દાગીના પડાવી ભાગી જતી ગેંગ શહેરમાં નંબર વગરની હોન્ડા શાઇન મોટરસાયકલ પર ફરી રહી છે. માહિતીના આધારે શહેરમાં વોચ ગોઠવતા આજવા ચોકડી રાત્રી બજાર પાસે એક શંકાસ્પદ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન તેની ટ્રાવેલિંગ બેગમાંથી બે સોનાની બંગડી, એક સોનાની વીંટી તેમજ અન્ય વસ્તુઓ મળી આવી હતી. માલિકીના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતાં પોલીસે મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી.


પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 26 જુલાઈના રોજ લાલકોર્ટ પાસે આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલી એક વૃદ્ધ મહિલાને "તમારા દીકરાનું મોટું સંકટ દૂર થશે અને લક્ષ્મીના દર્શન થશે" તેવી વાતોમાં ફોસલાવી હાથમાં પહેરેલી બે સોનાની બંગડી અને એક વીંટી ઉતરાવી લઈ સાગરીત સાથે ફરાર થઈ ગયો હતો.

આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલી આરોપી અને કબજે કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ માટે રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post