News Portal...

Breaking News :

FSSAIનો કડક નિર્ણય: એનર્જી ડ્રિંકના ભ્રામક દાવા દૂર કરવા કંપનીઓને 90 દિવસની મુદત

2026-07-28 17:38:24
FSSAIનો કડક નિર્ણય: એનર્જી ડ્રિંકના ભ્રામક દાવા દૂર કરવા કંપનીઓને 90 દિવસની મુદત

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ એનર્જી ડ્રિંક્સના ભ્રામક બ્રાન્ડિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઓથોરિટીએ પેપ્સિકો, રિલાયન્સ કન્ઝ્યુમર સહિત એનર્જી ડ્રિંક બનાવતી કંપનીઓને તેમના ઉત્પાદનો પરથી "એનર્જી ડ્રિંક" સંબંધિત ભ્રામક દાવાઓ દૂર કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. FSSAIનું કહેવું છે કે હાલમાં દેશમાં "એનર્જી ડ્રિંક" કેટેગરી માટે કોઈ સત્તાવાર ફૂડ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યો નથી. તેથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ સાથે ઉત્પાદનોનું વેચાણ નિયમોનું ઉલ્લંઘન ગણાશે.

ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ FSSAIએ ભ્રામક બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને લઈને છ મુખ્ય બેવરેજ કંપનીઓને નોટિસ ફટકારી હતી. આ કંપનીઓમાં રેડ બુલ એનર્જી ડ્રિંક, પેપ્સિકોનું એડ્રેનાલિન રશ, રિલાયન્સ કન્ઝ્યુમરનું કેમ્પા એનર્જી ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ એનર્જી ડ્રિંક, હેલ એનર્જી અને કોકા-કોલા સમર્થિત મોન્સ્ટર એનર્જીનો સમાવેશ થાય છે. FSSAIએ તમામ કંપનીઓને તેમના લેબલ અને માર્કેટિંગ દાવાઓ નિયમો અનુસાર સુધારવા સૂચના આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન બેવરેજ એસોસિએશન હેઠળની અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓએ ગયા શુક્રવારે FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન નોટિસ, લેબલિંગ નિયમો અને આગળની કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોના ફૂડ સેફ્ટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે તેનો મુખ્ય હેતુ ગ્રાહકોને સાચી અને પારદર્શક માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. ખાદ્ય ઉત્પાદનોના લેબલિંગમાં કોઈપણ પ્રકારની ગેરમાર્ગે દોરતી માહિતી અથવા વૈજ્ઞાનિક આધાર વગરના દાવાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. જો કંપનીઓ નિર્ધારિત 90 દિવસની સમયમર્યાદામાં જરૂરી ફેરફારો નહીં કરે, તો ફૂડ સેફ્ટી નિયમો હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Reporter: admin

Related Post