News Portal...

Breaking News :

વરસાદ બાદ શહેરની સ્થિતિ અંગે મનપાની રિવ્યુ બેઠક, કમિશનરે તાત્કાલિક કામગીરીના આપ્યા આદેશ

2026-07-28 17:43:20
વરસાદ બાદ શહેરની સ્થિતિ અંગે મનપાની રિવ્યુ બેઠક, કમિશનરે તાત્કાલિક કામગીરીના આપ્યા આદેશ

વડોદરા મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ, રસ્તાઓ પર પડેલા ખાડા, ડ્રેનેજ વ્યવસ્થા, સફાઈ કામગીરી તેમજ નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે તમામ વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવા અને શહેરમાં લોકોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવા સૂચના આપી હતી.

બેઠક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદ પડેલા ખાડાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં ખાડા પુરવા માટે ઉપયોગમાં લેવાતી વિટમિક્સ પદ્ધતિ અસરકારક સાબિત ન થતાં હોટમિક્સ પ્લાન્ટ શરૂ કરીને ડામર વડે ગુણવત્તાસભર સમારકામ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક રસ્તાઓ પર પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
નાગરિકોની ફરિયાદોના સમયસર નિકાલ અંગે પણ કમિશનરે ખાસ સૂચનાઓ આપી હતી. શહેરમાંથી મળતી ફરિયાદોનો 24 કલાકની અંદર ઉકેલ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત કામગીરી પૂર્ણ થયા બાદ નાગરિકોને ફોન કરીને સંતોષ અને પ્રતિસાદ મેળવવા માટે આઈટી વિભાગને વ્યવસ્થા ઉભી કરવાની સૂચના આપવામાં આવી હતી.

ડ્રેનેજની સફાઈ વધુ અસરકારક બને તે માટે આગામી દિવસોમાં વધારાના સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વરસાદી મોસમ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સતત મોનીટરીંગ રાખી જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

આગામી દશામા અને ગણેશ વિસર્જન ઉત્સવને ધ્યાનમાં રાખીને ટ્રાફિક, સફાઈ, પ્રકાશ વ્યવસ્થા, ડ્રેનેજ અને અન્ય નાગરિક સુવિધાઓ સુચારુ રહે તે માટે પદાધિકારીઓ અને વોર્ડ અધિકારીઓ સાથે સંકલન સાધી આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરે તમામ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.

Reporter: admin

Related Post