જાપાનના દક્ષિણ કુમામોટો પ્રાંતમાં મંગળવારે આવેલા 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે નુકસાન સર્જ્યું છે. જાપાન હવામાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ સાંજે 4:27 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર ઊંડે નોંધાયું હતું. ભૂકંપના જોરદાર આંચકાઓ બાદ કાશિમા શહેરમાં આવેલા એક શોપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાટમાળ નીચે 50થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભૂકંપ બાદ જાપાનના સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ લગભગ એક કલાકમાં આ ચેતવણી પરત ખેંચી લેવામાં આવી હતી. તેમ છતાં પ્રશાસને ક્યુશૂ દ્વીપના આશરે 1.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડવાના નિર્દેશ આપ્યા છે. સ્થાનિક પ્રશાસન સતત લોકોને સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે.
રાષ્ટ્રીય પ્રસારણ સંસ્થા NHK દ્વારા જાહેર કરાયેલા દૃશ્યોમાં અનેક રસ્તાઓ અને પુલોમાં તિરાડો, કેટલીક ઇમારતોમાં આગ તેમજ અન્ય સ્થળોએ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો અને પરિવહન સેવાઓ પર પણ અસર પડી હોવાનું જાણવા મળ્યું છે.
જાપાન સરકારે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. બચાવ દળો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તબીબી ટીમોને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.
Reporter: admin







