વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોડે કોર્ટના સજા વોરંટના કામે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લાના વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરાયેલા અભિયાન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, એડિશનલ જજ, સ્મોલ કોઝ કોર્ટ, વડોદરાએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ દોષિત ઠરેલા સંજયકુમાર ભરત મિશ્રાને બે વર્ષની સાદી કેદ તથા રૂ. 23.50 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ નહીં ભરાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.
વોરંટ બાદ આરોપી પોલીસથી બચવા નાસતો ફરતો હતો. ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્ક્વોડે તેના સંભવિત ઠેકાણાઓ પર વોચ ગોઠવી, બાતમીદારોને સક્રિય કર્યા અને માહિતી એકત્રિત કરી હતી. દરમિયાન આરોપી પોતાના ભાયલી-વાસણા રોડ સ્થિત નિવાસસ્થાને હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે તાત્કાલિક ટીમ મોકલી દરોડો પાડ્યો હતો.
પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી માટે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે હાથ ધરાયેલા અભિયાનમાં આ કાર્યવાહી વધુ એક નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.a
Reporter: admin







