વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા યુનિટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મરચાં પાવડર, રતલામી સેવ અને રિફાઇન્ડ પામોલીન ઓઇલ સહિત કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ખોરાક શાખાની તપાસ દરમિયાન વિવિધ યુનિટમાંથી કુલ 967 કિલો શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન ઓઇલનો જથ્થો, જેની કિંમત રૂ. 1.53 લાખથી વધુ છે, તેને સીઝ કરવામાં આવ્યો હતો.
વારસિયા વિસ્તારમાંથી 88.4 કિલો, ગોરવા વિસ્તારમાંથી 118.4 કિલો અને સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી 268.4 કિલો સહિત અલગ-અલગ સ્થળોએથી શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
VMCની ખોરાક શાખાએ જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આવી તપાસની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin







