ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની બેદરકારી સામે આવી છે. ગામના મુખ્ય બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું વીજ ટ્રાન્સફોર્મર (ડીપી) ખુલ્લી હાલતમાં હોવાથી સ્થાનિકો, મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખુલ્લા વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરની ખુલ્લી પેટીઓને કારણે કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રાન્સફોર્મરની પેટીઓ લાંબા સમયથી ખુલ્લી છે અને તેની આસપાસ ઝાડી-ઝાંખરા ઊગી નીકળતાં વીજ વાયરો પણ સ્પષ્ટ દેખાતા નથી. સતત વરસાદ અને ભેજને કારણે ખુલ્લા વાયરોમાંથી કરંટ ફેલાવાનો ભય વધી ગયો છે, જેના કારણે અહીંથી પસાર થવું પણ જોખમી બની ગયું છે.
મોટા હબીપુરા બસ સ્ટેન્ડ પરથી દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો રોજગારી માટે અવરજવર કરે છે. ઉપરાંત, આસપાસની શાળાઓ, હાઈસ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ બસની રાહ જોતા ટ્રાન્સફોર્મરની આસપાસ ઊભા રહે છે. આવી સ્થિતિમાં કોઈ બાળક કે મુસાફર અજાણતા ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવે તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં MGVCLના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોમાં રોષ છે કે તંત્ર માત્ર પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ જોખમી સ્થળોએ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે બસ સ્ટેન્ડ પાસેના ખુલ્લા ટ્રાન્સફોર્મરની પેટીઓ તાત્કાલિક બંધ કરવામાં આવે, ખુલ્લા વાયરોનું સમારકામ કરવામાં આવે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય.
Reporter: admin







