News Portal...

Breaking News :

વેરા ભરવામાં ચૂકી ગયા છો? VMCએ આપી વધુ એક તક, રિબેટ યોજનાની મુદત 10 ઓગસ્ટ સુધી લંબાઈ

2026-07-28 10:31:56
વેરા ભરવામાં ચૂકી ગયા છો? VMCએ આપી વધુ એક તક, રિબેટ યોજનાની મુદત 10 ઓગસ્ટ સુધી લંબાઈ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ મિલકત વેરા રિબેટ યોજનાની મુદત હવે લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજનાની અંતિમ તારીખ 24 જુલાઈ હતી, જેને હવે વધારીને 10 ઓગસ્ટ 2026 સુધી કરવામાં આવી છે. બાકી રહેલા કરદાતાઓને રિબેટનો લાભ મળી રહે અને મનપાની આવકમાં વધારો થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.


મનપાના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે 26 જુલાઈ સુધી એડવાન્સ રિબેટ યોજના હેઠળ કુલ રૂ.166.25 કરોડની આવક નોંધાઈ છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ કરનાર 1,43,913 કરદાતાઓ પાસેથી રૂ.130.82 કરોડની આવક મળી છે, જ્યારે ઓફલાઈન પેમેન્ટ કરનાર 44,020 કરદાતાઓ પાસેથી રૂ.35.42 કરોડની આવક થઈ છે.

યોજનામાં ઓનલાઈન વેરો ભરનાર રહેણાંક મિલકત ધારકોને 11 ટકા અને બિન-રહેણાંક મિલકત ધારકોને 6 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. જ્યારે ઓફલાઈન વેરો ભરનારને રહેણાંક મિલકત માટે 10 ટકા અને બિન-રહેણાંક મિલકત માટે 5 ટકા રિબેટ મળશે. અત્યાર સુધી કરદાતાઓને રૂ.10.91 કરોડનું વળતર આપવામાં આવ્યું છે.

મનપાએ જણાવ્યું છે કે 10 ઓગસ્ટ બાદ નિયમિત મિલકત વેરાના બિલ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેથી બાકી રહેલા તમામ કરદાતાઓને સમયસર એડવાન્સ વેરો ભરી યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના તમામ વ્યવસાયકારોને વ્યવસાય વેરો (PEC ખાતું) ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 હોવાનું જણાવી સમયસર ચુકવણી કરવા મનપાએ અપીલ કરી છે.

Reporter: admin

Related Post