વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
VMCની ટીમે વોર્ડ નં. 2, 3, 13 અને 14ના રથયાત્રા માર્ગ પર આવતા પોલો ગ્રાઉન્ડ, કમાટીબાગ, પેવેલિયન સર્કલ, ફતેગંજ બ્રિજ, EME સર્કલ, L&T સર્કલ, સુરસાગર, માર્કેટ ચાર રસ્તા, રાત્રી બજાર, અગોરા મોલ, રેલવે સ્ટેશનથી કાલાઘોડા સહિતના વિસ્તારોમાં રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા.
આ ઉપરાંત સરદાર એસ્ટેટ સર્કલ, વૃંદાવન ચાર રસ્તા, SSG હોસ્પિટલ વિસ્તાર, દાંડિયા બજાર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર સહિતના વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ટીમે BSNL ગ્રાઉન્ડ અને અરવિંદ બાગ નજીક તેમજ રાત્રી બજાર વિસ્તારમાં ઉભેલા શ્રમિકોને પણ દૂર કર્યા હતા. વોર્ડ નં. 5માં પાણીગેટથી મહાવીર હોલ સુધીના વિસ્તારમાં કાચા રોડ પરના દબાણો દૂર કરી કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
વોર્ડ નં. 3માં આઈયુ હોસ્પિટલ સામે અને ફતેગંજ બ્રિજ નીચેથી રસ્તામાં અડચણરૂપ મારુતિ ફોરવ્હીલર વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. VMC દ્વારા રથયાત્રા રૂટ પર ટ્રાફિક અને જાહેર સુવિધા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
Reporter: admin







