વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (VTET)ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક બ્રિગેડ ભરતી-2026 અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારો માટે યોજાયેલા તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ સોમવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, એમ.એસ. યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર 169 ટ્રાફિક બ્રિગેડ જવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અધિક પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈ, નાયબ પોલીસ કમિશનરો ઋષિકેશ ઉપાધ્યાય, તેજલ પટેલ અને જે.આઈ. વસાવા સહિત વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડીજીએમ સલીમ અહેમદ પણ હાજર રહ્યા હતા.

તાલીમ દરમિયાન ઝાયડસ હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી, આઇટીએમ યુનિવર્સિટી, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ, આરટીઓ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોએ ટ્રાફિક વ્યવસ્થા, માર્ગ સલામતી, પ્રથમ સારવાર સહિતના વિવિધ વિષયો પર તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ વ્યાખ્યાતાઓ અને ફેકલ્ટી સભ્યોને પ્રશંસાપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રગાનમાં સહભાગી બની સમારોહનું ગૌરવપૂર્ણ સમાપન કર્યું હતું.
ટ્રાફિક બ્રિગેડ જવાનોને શિસ્ત અને નિષ્ઠાથી ફરજ બજાવવાનો કમિશનરનો સંદેશ
પોલીસ કમિશનર નરસિંહા કુમારે પોતાના સંબોધનમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને નિષ્ઠા, શિસ્ત, સમયપાલન અને જવાબદારી સાથે ફરજ બજાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં પોલીસ વિભાગના મહત્વના સહયોગી છે અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો બિનજરૂરી ઉપયોગ ટાળવા, કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અને ટ્રાફિક બ્રિગેડની ફરજને ઉજ્જવળ કારકિર્દીનું પ્રથમ પગથિયું માની ભવિષ્યમાં કાયમી સરકારી નોકરી માટે સતત મહેનત અને અભ્યાસ ચાલુ રાખવા પ્રેરણા આપી હતી. ઉપરાંત યુનિફોર્મનું ગૌરવ જાળવી પ્રામાણિકતા અને સેવાભાવથી ફરજ બજાવી વડોદરા શહેર પોલીસની પ્રતિષ્ઠામાં વધારો કરવા શુભેચ્છા પાઠવી હતી.
Reporter: admin







