વડોદરાની મધ્યમાંથી પસાર થતી અને શહેરની પૌરાણિક તેમજ સાંસ્કૃતિક ઓળખ સમાન પવિત્ર વિશ્વામિત્રી નદી હાલમાં ભારે પ્રદૂષણ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે. નદીની આ દુર્દશા માટે પર્યાવરણવાદીઓ અને સ્થાનિક નાગરિકો વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમજ સત્તાધીશોની ઉદાસીનતાને સીધી રીતે જવાબદાર ઠેરવી રહ્યા છે.
ખાસ કરીને રાત્રી બજાર નજીકના વિસ્તારમાંથી દરરોજ હજારો લીટર ગટરનું ગંદુ અને દૂષિત પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું જ વિશ્વામિત્રી નદીના વહેણમાં છોડવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમી જૂથોનો આરોપ છે કે વડોદરાની ઓળખ સમી આ પવિત્ર નદી હવે નદી મટીને માત્ર એક મોટો ગંદો નાળો કે 'ગટરગંગા' બનીને રહી ગઈ છે.

વિશ્વામિત્રી નદીમાં અવિરત ઠલવાતા ગટરના પાણી અને ઘન કચરાના કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. વધુમાં, આ નદી દૂષિત થવાથી શહેરનું ભૂગર્ભ જળ પણ ઝેરી બની રહ્યું છે. જો શહેરની જીવાદોરી સમાન નદી જ સ્વચ્છ ન રહે તો વડોદરાના નાગરિકોને શુદ્ધ હવા, પાણી અને તંદુરસ્ત પર્યાવરણ ક્યાંથી મળશે, તેવો યક્ષ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
વહીવટી તંત્રની આ કામગીરી પાછળ ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે. સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ, બ્યુટિફિકેશન અને પુનરોદ્ધારના નામે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટોમાંથી એસટીપી સુધારવા અને નદીના કાંઠા સાફ કરવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચ છતાં વિશ્વામિત્રી નદી આજે પણ પ્રદૂષણમુક્ત થઈ શકી નથી.
નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પ્રદૂષણ અટક્યું નથી તો શુદ્ધિકરણના નામે લાવવામાં આવેલી તમામ ગ્રાન્ટો ક્યાં વપરાઈ?
નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પ્રદૂષણ અટક્યું નથી તો શુદ્ધિકરણના નામે લાવવામાં આવેલી તમામ ગ્રાન્ટો ક્યાં વપરાઈ?
બીજી તરફ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકોનું કહેવું છે કે શહેરના સતત વધતા વ્યાપ અને ડ્રેનેજ નેટવર્કના ઓવરફ્લોને કારણે કેટલીક જગ્યાએ કામચલાઉ સમસ્યા સર્જાય છે. પાલિકા દ્વારા નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સ્થાપવાની અને જૂના પ્લાન્ટ્સની ક્ષમતા વધારવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનો દાવો કરવામાં આવે છે.
પરંતુ વિપક્ષો અને નાગરિક સંસ્થાઓનું માનવું છે કે માત્ર કાગળ પર આયોજનો બતાવીને સમય પસાર કરવામાં આવી રહ્યો છે.
વિશ્વામિત્રી નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ તે અનેક મગરો અને જળચર જીવોનું કુદરતી નિવાસસ્થાન પણ છે. પ્રદૂષિત, કેમિકલયુક્ત અને ગટરના પાણીથી આ મૂંગા જીવોના જીવન પર પણ મોટું જોખમ ઊભું થયું છે.
વડોદરાની પ્રજા હવે ઠાલા આશ્વાસનો નહીં, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર પરિણામ ઈચ્છે છે.
વિશ્વામિત્રી નદી માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ તે અનેક મગરો અને જળચર જીવોનું કુદરતી નિવાસસ્થાન પણ છે. પ્રદૂષિત, કેમિકલયુક્ત અને ગટરના પાણીથી આ મૂંગા જીવોના જીવન પર પણ મોટું જોખમ ઊભું થયું છે.
વડોદરાની પ્રજા હવે ઠાલા આશ્વાસનો નહીં, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર પરિણામ ઈચ્છે છે.
Reporter: admin







