વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન શિનોર પોલીસે સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી નીતીનભાઇ મુકેશભાઇ જેતાણીને સુરતથી ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, નીતીનભાઇ જેતાણી સાધલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે શિનોર પોલીસ સ્ટેશનમાં સરકારી નાણાંની ઉચાપત અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. આરોપીએ સાધલી ગ્રામ પંચાયતના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.10,20,856ની રકમ આરટીજીએસ મારફતે પોતાના એસબીઆઇ શિનોરના ખાતામાં જમા કરાવી હોવાનો આરોપ છે. ત્યારબાદ આ રકમનો અંગત ઉપયોગ કરી સરકારી નાણાંની ઉચાપત કરી હતી.
આ ઉપરાંત ગ્રામ પંચાયતના બેંક ખાતાનો રૂ.1,44,500નો ચેક અન્ય વ્યક્તિને આપી રોકડ રકમ ઉપાડવામાં આવી હોવાનો પણ ગુનામાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે એકબીજાની મદદગારી કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યાનો આરોપ છે.
આ કેસમાં નીતીનભાઇ જેતાણી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. વસાવાની આગેવાની હેઠળ પોલીસ ટીમે નાસતા-ફરતા આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરી હતી. હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દરમિયાન આરોપી સુરતમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
માહિતીના આધારે પોલીસ ટીમ સુરત પહોંચી હતી અને સાયણ રોડ વિસ્તારમાંથી નીતીનભાઇ મુકેશભાઇ જેતાણીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે BNSS કલમ-72 મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







