News Portal...

Breaking News :

ફુકેટ-દિલ્હી એર ઈન્ડિયા ફ્લાઇટના એક પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ હોવાનો દાવો, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બંને પાયલટ ડ્યુટીથી દૂર

2026-08-09 17:51:59
ફુકેટ-દિલ્હી એર ઈન્ડિયા ફ્લાઇટના એક પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ હોવાનો દાવો, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બંને પાયલટ ડ્યુટીથી દૂર

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટના એક પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 4 ઓગસ્ટે આ ફ્લાઇટ ભારે ટર્બ્યુલન્સમાં ફસાઈ હતી અને અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. ઘટના બાદ બંને પાયલટનું પોસ્ટ-ફ્લાઇટ ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે બંને પાયલટમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બંને પાયલટને ડ્યુટી પરથી હટાવવામાં આવ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

ટર્બ્યુલન્સમાં 17 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

ફ્લાઇટમાં 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. હવામાં ભારે ટર્બ્યુલન્સ દરમિયાન વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી જતા 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે ટર્બ્યુલન્સ લગભગ 5 મિનિટ સુધી રહ્યું હતું.

એર ઈન્ડિયાએ કહ્યું- ટેસ્ટ રિપોર્ટ મળ્યો નથી

એર ઈન્ડિયાએ પોતાના પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ હોવાની ખબરની ન તો પુષ્ટિ કરી છે કે ન તો ખંડન કર્યું છે. એરલાઈને જણાવ્યું કે ફ્લાઇટ બાદ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ બંને પાયલટનું ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના રિપોર્ટ હજુ સુધી એર ઈન્ડિયા સાથે શેર કરવામાં આવ્યા નથી. તેથી હાલ આ મામલે ટિપ્પણી કરી શકાય નહીં.
એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ ક્રૂ મેમ્બર્સના નિયમિત ડ્રગ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કોઈ ચોક્કસ ફ્લાઇટ અથવા ઘટના સાથે જોડાયેલા હોવા જરૂરી નથી.

Reporter: admin

Related Post