News Portal...

Breaking News :

તંત્રની બેદરકારીએ વિશ્વામિત્રી નદીને "મત્સ્ય કબ્રસ્તાન" બનાવી

2026-08-10 10:37:35
તંત્રની બેદરકારીએ વિશ્વામિત્રી નદીને

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ફરી એકવાર પ્રદૂષણ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે. શહેરના નરહરિ બ્રિજ નીચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન અચાનક મોટી સંખ્યામાં માછલીઓનાં મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. નદીના પાણી પર તરતી અને કાંઠે એકઠી થયેલી મૃત માછલીઓની અસહ્ય દુર્ગંધના કારણે આસપાસના રહેણાંક વિસ્તારો તેમજ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.


સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા 3થી 4 દિવસથી નદીના પટમાં હજારોની સંખ્યામાં નાની-મોટી માછલીઓ મૃત હાલતમાં મળી રહી છે. ગરમી અને પ્રદૂષિત પાણીના કારણે આ મૃત માછલીઓ કોહવાઈ જતાં નરહરિ બ્રિજ, કાલાઘોડા અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિક નાગરિકોને ઘરમાં રહેવું અને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે.


જો ત્વરિત ધોરણે આ મૃત માછલીઓને નદીમાંથી બહાર કાઢીને સફાઈ કરવામાં નહીં આવે, તો ચોમાસાની આ ઋતુમાં આસપાસના વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત સેવાઈ રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે નદીમાં પ્રોસેસ કર્યા વિનાનું ગટરનું કેમિકલયુક્ત પાણી અને ઝેરી કચરો સીધો જ ઠાલવવામાં આવી રહ્યો છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે અને ઝેરી દ્રવ્યોનું પ્રમાણ વધવાને કારણે માછલીઓ શ્વાસ ન લઈ શકતાં ટપોટપ મરી રહી છે.

વિશ્વામિત્રી નદી માત્ર માછલીઓ જ નહીં, પરંતુ મગરોનું પણ કુદરતી નિવાસસ્થાન છે. જેથી આવા દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ માટે પણ ખતરો ઊભો થયો છે.

Reporter: admin

Related Post