News Portal...

Breaking News :

અડધું શહેર અશુદ્ધ-ગટરમિશ્રિત પાણી પીએ છે, જ્યારે હોદ્દેદારો બિસ્લેરી !

2026-08-14 11:29:02
અડધું શહેર અશુદ્ધ-ગટરમિશ્રિત પાણી પીએ છે, જ્યારે હોદ્દેદારો બિસ્લેરી !

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે માત્ર સભાખંડ પૂરતી સીમિત ન રહેતાં તંત્ર અને શાસકોને ઉઘાડા પાડતો અખાડો બની ગઈ હતી. શહેરીજનોને અપાતા દૂષિત, દુર્ગંધયુક્ત અને ગટરમિશ્રિત પીવાનાં પાણીના ગંભીર પ્રશ્ને યોજાયેલી આ સભામાં શરૂઆતથી જ વાતાવરણ અત્યંત ગરમાયેલું અને તોફાની રહ્યું હતું. એક તરફ શહેરના લાખો નાગરિકો દૂષિત પાણી પીને રોગચાળાના ખાટલે પડી રહ્યા છે અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાનો કરોડો રૂપિયાનો વહીવટ ચલાવતા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો સામાન્ય સભામાં જ ‘બિસ્લેરી’ તથા મિનરલ વોટરની બોટલો ગટગટાવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો હતો. વિપક્ષી સભ્યોએ હાથમાં ગંદા પાણીની બોટલો પકડીને શાસકોના મુખૌટા ઉતારી નાખ્યા હતા અને સભાખંડમાં ભારે ગર્જના કરી હતી.

સામાન્ય સભાની કામગીરી શરૂ થતાં જ વિપક્ષી કોંગ્રેસના કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે જ્યારે ગંદા અને કાળા ડબ જેવા પાણીથી ભરેલી બોટલ હાથમાં ઊંચી કરીને મેયર અને કમિશનર સામે બતાવી, ત્યારે આખી સામાન્ય સભાનું વાતાવરણ અત્યંત ગરમ થઈ ગયું હતું. તેમણે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વડોદરાની જનતા પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પોતાનો લોહી-પસીનાનો ટેક્સ ભરે છે. આજે પાલિકાના તમામ શાસકો અને અધિકારીઓ જનતાના ટેક્સના નાણાં પર એસી રૂમમાં બેસીને બિસ્લેરીનું શુદ્ધ બોટલબંધ પાણી પી રહ્યા છે અને સામે વડોદરાના નાનામાં નાના કરદાતા નાગરિકને ગટરનું પાણી પીવડાવવામાં આવી રહ્યું છે! શાસકો માટે આનાથી વધારે શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે? જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવા છતાં વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સોંપાયેલું છે.

સભા દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે પણ વહીવટી તંત્રના ગેરકાયદે નિર્ણયો અને નિયમોના ધજાગરા ઉડાડવા અંગે ભારે ધારદાર અને સીધી રજૂઆત કરી હતી. તેમણે ગૃહનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ હુકમ અને નિર્દેશોનો અનાદર કરીને પાલિકાના તંત્રે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને વિવાદિત વ્યક્તિને જનસંપર્ક અધિકારી તરીકે બહાલ કરી દીધા છે. હાઈકોર્ટના આદેશોને નેવે મૂકીને શાસકો કઈ રીતે પોતાની મનમાની ચલાવી શકે? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું પાલિકામાં કાયદાનું કોઈ શાસન જ નથી રહ્યું?

જ્યારે વિપક્ષના કોર્પોરેટરોએ પ્રજાના જ્વલંત મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિપક્ષી સભ્યોને ટકોર કરીને અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આનાથી વિપક્ષના સભ્યો વધુ આક્રમક બન્યા હતા. વિપક્ષના આ આક્રમક રોષ અને હોબાળાને કારણે વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાઓ અને કમિશનર સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા હતા. તેમની પાસે વિપક્ષના ધારદાર અને તથ્યપૂર્ણ સવાલોનો કોઈ યોગ્ય જવાબ નહોતો. શાસકો સભાખંડમાં સર્જાયેલી અરાજકતા, ભારે બુમાબુમ અને હોબાળાને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

પાણીના ગંભીર પ્રશ્ન ઉપરાંત સામાન્ય સભામાં મહાનગરપાલિકાના આયોજન વગરના કરોડોના કામો, વ્યાપક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની ઘોર બેદરકારી અંગે પણ વિપક્ષ અને અપક્ષના સભ્યોએ તંત્રના છોભીલા પાડી દીધા હતા. છાણી વિસ્તારના અપક્ષ કોર્પોરેટર હરીશ પટેલે આજવા સરોવર ખાતે યોજાયેલી સત્યનારાયણ કથા અને તેના આયોજન હેઠળ કરાયેલા ખોદકામના કોન્ટ્રાક્ટમાં થયેલી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, પાલિકા જ્યારે શહેરના નાના-નાના વિસ્તારોમાં વિકાસકામો કે ગટર-પાણીના કામો આપે છે, ત્યારે કોન્ટ્રાક્ટરો પાસે જેસીબી, ભારે મશીનરી અને સાધનો અંગેની અત્યંત કડક શરતો મૂકે છે અને મોટી ડિપોઝિટ લે છે. પરંતુ આજવા સરોવર જેવા અતિમહત્ત્વના અને ગંભીર સ્થળે ખોદકામ કરવાનો જે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો, તેમની પાસે જેસીબી કે અન્ય જરૂરી મશીનરી જ નહોતી! આટલા મોટા કામમાં રોયલ્ટીના નિયમો શું હતા? પાલિકાના અધિકારીઓએ અહીં સુપરવિઝન કર્યું કે કેમ? નાના કામોમાં નિયમોનું પાલન કરાવતું તંત્ર આટલા મોટા કામમાં આંખ આડા કાન કેમ કરે છે, તેવા આકરા પ્રહારો તેમણે કર્યા હતા.

બીજી તરફ, વોર્ડ નંબર ૧૪ના મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે પોતાના વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને બિનઅસરકારક કામગીરી સામે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ગૃહમાં જણાવ્યું કે, તેમના વોર્ડમાં ૮ હજારથી વધુ મકાનો અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં ઊભા છે. તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય, મકાનો ધડાકાભેર ધરાશાયી થાય અને લોકો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોઈ રહ્યું છે? શું પાલિકાનું કામ માત્ર નાગરિકો પાસેથી આકરો ટેક્સ અને વેરો વસૂલવાનું જ રહી ગયું છે? સુરક્ષાની જવાબદારી સ્વીકારીને આ જર્જરિત મકાનો તાત્કાલિક અસરથી કેમ પાડવામાં આવતા નથી?

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૨ મહિનાથી તેઓ પોતાના વોર્ડમાં ગટર અને પાણીના ૫૦ ટકા પ્રશ્નો લઈને તંત્ર અને અધિકારીઓ પાસે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા એક પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો કોર્પોરેશનની કામગીરી સુચારુ રૂપે ચલાવવી હોય તો કર્મચારીઓ પાસે ડે-નાઈટ શિફ્ટમાં કામ લેવું પડશે. વોર્ડ નંબર ૧૪માં ત્વરિત કામગીરી માટે તાત્કાલિક ૬ સુપરવાઈઝરની જરૂર છે. મશીનો અને માણસોનો યોગ્ય ઉપયોગ કરીને રાત-દિવસ શિફ્ટ ચાલુ કરો, કારણ કે કર્મચારીઓ પણ માણસ છે, જાનવર નથી. આખી સભા દરમિયાન શાસક પક્ષ અને કમિશનર કક્ષાના અધિકારીઓની લાપરવાહી અને બિનકાર્યક્ષમતા સંપૂર્ણપણે છતી થઈ ગઈ હતી.

નાના કામોમાં ચોકસાઈ રાખતું તંત્ર મોટા કામોમાં આંખ આડા કાન કેમ કરે છે?

છાણી વિસ્તારના અપક્ષ કોર્પોરેટર હરીશ પટેલે મીડિયા અને સામાન્ય સભા સમક્ષ મહાનગરપાલિકાના બેવડા ધોરણો ખુલ્લા પાડ્યા હતા. તેમણે જણાવ્યું કે, આજવા સરોવર ખાતે સત્યનારાયણ કથાના આયોજન વખતે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તે એજન્સી કે કોન્ટ્રાક્ટર પાસે જેસીબી સહિતની જરૂરી મશીનરી જ નહોતી. કોર્પોરેશન સામાન્ય અને નાના-નાના કામોમાં કોન્ટ્રાક્ટરો પાસે જેસીબી, ભારે મશીનરી અને સાધનો અંગેની કડક શરતો મૂકે છે અને નિયમોનું પાલન કરાવે છે, તો પછી આજવા સરોવર જેવા આટલા મોટા અને ગંભીર ખોદકામના કામમાં કોઈ દેખરેખ કે સુપરવિઝન કેમ રાખવામાં આવ્યું નહીં? તેમણે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે, આ કામ માટે કઈ શરતો નક્કી કરાઈ હતી અને રોયલ્ટીના નિયમો શું હતા? નાના કામોમાં ચોકસાઈ રાખતું તંત્ર મોટા કામોમાં આંખ આડા કાન કેમ કરે છે, તે અંગે કમિશનર પાસે સ્પષ્ટ ખુલાસો માંગ્યો હતો.

આપણે પ્રજાના ટેક્સના રૂપિયા પર બેઠા છીએ અને સભામાં બિસ્લેરીનું શુદ્ધ પાણી પીઈએ છીએ!

કોંગ્રેસનાં કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે સામાન્ય સભામાં ગંદા અને દૂષિત પાણીની બોટલ બતાવીને શાસકોની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, પ્રજાના આટલા મહત્વના અને આરોગ્યવિષયક પ્રશ્ને રજૂઆત કરવા માટે તેમને ગૃહમાં ફક્ત ૫ મિનિટનો જ સમય આપવામાં આવે છે. વોર્ડમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. તેમણે સત્તાધીશોને આડેહાથ લેતાં કહ્યું કે, આપણે સૌ પ્રજાના ટેક્સના રૂપિયા પર બેઠા છીએ અને સભામાં બિસ્લેરીનું શુદ્ધ પાણી પીએ છીએ, જ્યારે પ્રજા ગટરનું દૂષિત પાણી પીવા મજબૂર છે. છેલ્લા ૩૦ વર્ષથી પાણીની લાઈન બદલવાનું કોઈ કામ થયું નથી. અધિકારીઓ ગટરનું પાણી આવતું હોવાનું સ્વીકારે છે, છતાં બંને લાઈનો કેમ મિક્સ થાય છે તેનો કોઈ ઉકેલ લાવતા નથી. તેમણે પાણીની નલિકાઓ તાત્કાલિક બદલવાની માંગ કરી હતી.

પાણી અને ગટરની ૫૦ ટકા સમસ્યાઓ લઈને આવ્યા હોવા છતાં તેનો કોઈ નિકાલ થયો નથી...

વોર્ડ નંબર ૧૪ના મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવે સભામાં રહેવાસીઓની સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ અંગે આકરો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, વોર્ડમાં ૮ હજારથી વધુ મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. તંત્ર શું આ મકાનો ધડાકાભેર પડે અને લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? શું પાલિકા માત્ર વેરો વસૂલવા જ બેઠી છે? સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ મકાનો ઉતારી લેવા જોઈએ. આ ઉપરાંત, છેલ્લા ૨ મહિનાથી પાણી અને ગટરની ૫૦ ટકા સમસ્યાઓ લઈને આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ નિકાલ થયો નથી. તેમણે મેયરને વિનંતી કરી હતી કે, વોર્ડ નંબર ૧૪માં તાત્કાલિક ૬ સુપરવાઈઝરની સખત જરૂર છે. જો વીએમસી ચલાવવું હોય તો મશીનો અને માણસો પાસે ડે-નાઈટ શિફ્ટમાં કામ લો, કર્મચારીઓ પણ માણસ છે, જાનવર નથી.

Reporter: admin

Related Post