ઈટાનગર: અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે. દિબાંગ ઘાટી જિલ્લામાં અચાનક આવેલા પૂરના કારણે સેનાના બે અસ્થાયી આશ્રયસ્થાનો પાણીના તેજ પ્રવાહમાં વહી ગયા હતા. આ ઘટનામાં સાત જવાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન બે જવાનોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે પાંચ સૈન્યકર્મીઓ હજુ પણ લાપતા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિબાંગ ઘાટી જિલ્લામાં શુક્રવારે સાંજે સતત પડી રહેલા ભારે વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. પૂરના તેજ પ્રવાહની ઝપેટમાં સેનાના બે અસ્થાયી શેલ્ટર આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને બચાવ ટીમોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લાપતા પાંચ જવાનોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
બીજી તરફ, અપર સુબનસિરી જિલ્લામાં પણ ભારે વરસાદ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. કેઓઝારિંગ-બયાચિંગ રોડ નિર્માણ સ્થળે થયેલા ભુસ્ખલનમાં ચાર લોકોનાં મોત થયા છે. પહાડી પરથી અચાનક વિશાળ પ્રમાણમાં કાટમાળ ધસી પડતાં રોડ નિર્માણ કાર્યમાં જોડાયેલા મજૂરો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં તાડુ બાકી, તાજી રાય, માર્કોશ બસુમતારી અને બાબુલ અલીનાં મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ હટાવીને અન્ય કોઈ વ્યક્તિ ફસાઈ છે કે કેમ તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ વધી છે. વહીવટી તંત્ર અને બચાવ એજન્સીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Reporter: admin







